દેશ-વિદેશ

RBIની જાહેરાત, હવેથી ભારતીય રૂપિયામાં થશે ઈન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ

વિશ્વના કોઈપણ દેશ સાથે રૂપિયામાં થઈ શકશે વેપાર

વિદેશી વેપારના બદલામાં રૂપિયામાં પેમેન્ટ સ્વીકારવામાં આવશે

ભારતીય રૂપિયો વધારે મજબૂત બનશે

હવે રૂપિયો પણ ડોલરની લાઈનમાં આવીને ઉભો રહી જાય તે દિશામાં ભારતીય રિઝર્વ બેંકે મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ ઈન્ટરનેશન ટ્રેડ સેટલમેન્ટ માટે ભારતીય રૂપિયાના ઉપયોગ કરવાને મંજૂરી આપી દીધી છે. RBIએ કહ્યું છે કે, વૈશ્વિક સ્તર પર થનારા વેપારના બદલામાં રૂપિયામાં પેમેન્ટ સ્વીકારવામાં આવશે. એક્સપોર્ટમાં ભારતીય રૂપિયાના ઉપયોગથી ગ્લોબલ ટ્રેડિંગમાં રૂપિયાનું વર્ચસ્વ વધવાથી રૂપિયામાં મજબૂતી આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય રૂપિયામાં વિદેશી વેપારની સુવિધા સાથે ભારત હવે એવા દેશો કે કંપનીઓ સાથે વેપાર કરવામાં સરળતા થશે, જેઓ ડોલરમાં લેવડ-દેવડ કરવા નથી માંગતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, રિઝર્વ બેંકના આ નિર્ણયથી દેશમાં ડોલરની માંગ પર લગામ લાગશે. જેનાથી ભારતીય રૂપિયાનું અવમૂલ્યન થતું રોકવામાં મદદ મળશે. આ નિર્ણયનો બીજો મોટો ફાયદો એ થશે કે, રશિયા અને ઈરાન જેવા દેશો, જેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, તેની સાથે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કરવામાં સરળતા રહેશે.

ઉદાહરણ તરીકે જોઈએ તો, રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ બાદ અમેરિકાએ પૂર્વના અનેક દેશો પર રશિયા સાથે ડોલરમાં વેપાર કરવા પર રોક લગાવી દીધી હતી. એવામાં રૂપિયામાં વેપાર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થવાથી એવા દેશો સાથે વેપાર કરવો સરળ થઈ જશે. રિઝર્વ બેંકે ભારતીય રૂપિયામાં ઈનવૉઈસિંગ, પેમેન્ટ અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટની ચૂકવણી માટે એક વધારાની વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય લીધો છે. આ મેકેનિઝમ લાગૂ કર્યા પહેલા, AD બેંકોને ભારતીય રિઝર્વ બેંકની મુંબઈ કચેરીથી વિદેશી મુદ્રા ડિપાર્ટમેન્ટ પાસેથી એપ્રુવલ લેવાનું રહેશે. રિઝર્વ બેંકનો આ નિર્ણય ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણની દિશામાં મોટું પગલું સાબિત થશે. અત્યારે અનેક દેશો પાસે ડૉલરનો ભંડાર નથી, એવા દેશો ભારત સાથે રૂપિયામાં વેપાર કરશે.

administrator
R For You Admin