Rajkot Heavy Rain: રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રાજકોટની જનતાને અપીલ કરતા જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ ઉપરાંત સાઇટ જોવા માટે પણ ઘર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
રાજકોટ: ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ (Rajkot heavy rain) કરી રહ્યા છે. રવિવારે અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી. નવસારી અને વલસાડ જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. મંગળવાર સવારે રાજકોટની સ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે. સવારે બે કલાકમાં જ બે ઇંચથી વધારે વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. બીજી તરફ મંગળવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજકોટમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
આજી નદીમાંથી મૃતદેહ મળ્યો
બીજી તરફ રાજકોટની આજી નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. ભારે વરસાદ વચ્ચે આજી નદીમાંથી એક મૃતદેહ તરતો મળી આવ્યો છે. રાજકોટ ફાયર બ્રિગેડના જવાનોએ પુરુષની લાશને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી વિધિ શરૂ કરી છે. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી છે.
લોકોને ઘરમાં જ રહેવાની અપીલ
બીજી તરફ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રાજકોટની જનતાને અપીલ કરતા જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ ઉપરાંત સાઇટ જોવા માટે પણ ઘર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
સ્કૂલ-કૉલેજોમાં રજા જાહેર
બીજી તરફ રાજકોટ રાજકોટ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે શાળા અને કોલેજમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આજ રોજ યોજનાર તમામ પરીક્ષા રદ કરવામાં આવી છે
રેલ નગરનો અંડરબ્રિજ બંધ
રાજકોટમાં ભારે વરસાદને પગલે સવારના સાત વાગ્યાથી રેલવે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. મનપાના વોટર વર્ક વિભાગ તરફથી પાણીને પગલે અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ રેલ નગર, મહિલા કોલેજ, લક્ષ્મીનગર, આમ્રપાલી સહિતના બ્રિજમાં પમ્પિંગની કામગારી શરૂ કરવામાં આવી છે. રાજકોટના ચાર પૈકી માત્ર એક જ અંડર બ્રિજમાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.
મેયર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
બીજી તરફ રાજકોટના મેયર પ્રદીપ ડવે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મેયરે લલૂડી વોકળી તેમજ રામનાથ પર વિસ્તારોની મુલાકાત લીધી હતી. મળતી માહિતી પ્રમાણે શહેરની લલૂડી વોકળી વિસ્તારની સ્થિતિ વરસાદને પગલે વિકટ બની છે. આ વિસ્તારમાં કમરસુધી પાણી ભરાયા છે.
રાજકોટમાં મકાશ ધરાશાયી
રાજકોટમાં વરસાદ વચ્ચે રામનાથપરા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે. મકાન જૂનું હોવાની માહિતી મળી છે. મકાન પડવાની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.