ઉત્તર ગુજરાત ગુજરાત

મહેસાણા : ખેતમજૂરોને ખેલાડી બનાવી નકલી IPL રમાડી

હાઈવેથી એકદમ દૂર આવેલા એક નાનકડા ગામમાં રોજ સાંજ પડે એટલે ઉજ્જડ ખેતરમાં લાઇટો ચાલુ થતી, મેલાંઘેલાં કપડાં બદલીને ખેતમજૂરો ક્રિકેટર બની જતા અને ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થતી. આ ટૂર્નામૅન્ટની દરેક મૅચમાં વિદેશીઓના લાખો રૂપિયા દાવ પર લાગતા હતા, પણ તેમાંથી જવલ્લે જ કોઈ જીતતું હતું.

એકદમ ફિલ્મી જણાતી આ ઘટના ગુજરાતના મહેસાણામાં આવેલા મોલીપુર ગામની છે.

સામાન્ય રીતે વરસાદી ખેતી પર નભતા આ ગામમાં અન્ય રીતે કોઈ કમાવાનો રસ્તો ન હોવાથી મોટા ભાગના યુવાનો વિદેશ ચાલ્યા જાય છે.

આવા યુવાનોમાંનો જ એક યુવાન હતો શોએબ દાવડા. થોડું ઘણું ભણ્યા બાદ તે પૈસા કમાવા માટે રશિયા ગયો. રશિયામાં તે જે પબમાં કામ કરતો હતો ત્યાં લોકો દારૂ પીને જુગાર રમવા પર વધારે ધ્યાન આપતા હતા.

થોડા સમય માટે રશિયામાં રહ્યા બાદ યુક્રેન સામેનું યુદ્ધ શરૂ થયું તેના એક મહિના પહેલાં જ તે પાછો ગુજરાત આવી ગયો હતો. રશિયામાં રહ્યો એ દરમિયાન તે કંઈ ખાસ શક્યો નહોતો.

મોલીપુર ગામમાં પરણેલા અને નજીકમાં આવેલા વિસનગરમાં ધંધો કરતા હુમાયુ મન્સુરી કહે છે કે શોએબ જ્યારે પરદેશથી પાછો આવ્યો ત્યારે ફાંકડું અંગ્રેજી બોલી લેતો હતો. તેણે ગામમાં આવીને એવો પ્રચાર કર્યો કે તે રશિયાથી ખેતીની એક ક્રાંતિકારી પદ્ધતિ શીખીને આવ્યો છે.

તેઓ કહે છે, “શોએબ લોકોને કહી રહ્યો હતો કે તે ગામના છેવાડે ખેતર ભાડે રાખીને આ ક્રાંતિકારી પ્રયોગ દ્વારા ખેતીની શકલ બદલી નાખવા માગતો હતો અને તેના માટે ખેતર ભાડે રાખવા તગડું ભાડું આપવા પણ તૈયાર હતો. જેથી ગામનાં ગુલામ મસી નામના ખેડૂતે તેના માટે ખેતર ભાડે આપ્યું હતું.”

મહેસાણા સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના પી. આઈ બી. એચ. રાઠોડ કહે છે, “અમને એક દિવસ બાતમી મળી કે મહેસાણામાં એક યૂટ્યુબ ચૅનલના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સટ્ટો રમાડવામાં આવે છે. અમે તપાસ શરૂ કરતાં એક દિવસે સાંજે ચૅનલની લિંક આવી.”

તેઓ આગળ કહે છે, “તે દિવસે પાલનપુર સ્પોર્ટ્સ કિંગ અને ચૅન્નઈ ફાઇટર નામની ટીમો વચ્ચે મૅચ હતી. આઈપીએલની જેમ બંને ટીમો જુદાજુદા રંગનાં કપડાંમાં હતી, સ્ટેડિયમ પણ કંઇક તે જ પ્રકારે તૈયાર કરાયેલું હતું. જેથી કોઈ સારી એવી ટૂર્નામૅન્ટ ચાલી રહી હોય તેમ લાગતું હતું.”

“સ્ટેડિયમ તો ઠીક, મૅચમાં કૉમેન્ટરી પણ કોઈ ખ્યાતનામ વ્યક્તિ આપી રહી હોય એવું લાગી રહ્યું હતું અને વિકેટો તેમજ બાઉન્ડ્રી વાગતાં દર્શકોનો અવાજ પણ સંભળાતો હતો.”

આ પ્રશ્નના જવાબમાં પી. આઈ. રાઠોડ જણાવે છે, “જેમજેમ મૅચ આગળ વધી, ધ્યાને આવ્યું કે અમ્પાયર ટ્રૅક પેન્ટ પહેરીને ઊભો હતો અને બંને ટીમના બૅટરોના પૅડ સફેદ રંગના હતા. આ શંકાના આધારે અમે તપાસ આગળ વધારી.”

“વધુ તપાસમાં ખ્યાલ આવ્યો કે મૅચ જે ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી તે કોઈ સારું એવું ક્રિકેટ ગ્રાઉન્ડ નહોતું પરંતુ કોઈ સમતળ જમીન પર પીળા રંગની મૅટ પાથરીને ઊભું કરાયેલું બનાવટી ગ્રાઉન્ડ હતું.”

પીઆઈ રાઠોડ કહે છે કે આ શંકાઓ તેમની તપાસને વધુ આગળ વધારવા માટે પૂરતી હતી.

તેઓ કહે છે, “આગળ જતા જાણવા મળ્યું કે આ લોકોએ ‘ક્રીચ હીરોઝ’ નામની મોબાઇલ ઍપ્લિકેશન પર સૅન્ચ્યુરી હીટર્સ નામની ટીમ રજિસ્ટર કરાવી હતી. શોએબ અને રશિયામાં રહેતો તેનો મિત્ર આસિફ મહમદ સાથે મળીને સટ્ટાનો કારોબાર ચલાવતા હતા.”

તેમણે વધુમાં કહ્યું, “આ લોકો બનાવટી ક્રિકેટ મૅચો અસલ લાગે તે માટે ભાડે રાખેલા ખેતરમાં હૅલોઝન લગાવી, ખેલાડીઓ માટે કપડાં ખરીદ્યાં, જાણીતા કૉમેન્ટેટરોની મિમિક્રી કરી શકનારા શાકીબને કૉમેન્ટરી માટે બોલાવ્યો અને પાંચ હાઇ ક્વૉલિટી કૅમેરા લગાવ્યા. પણ તેમની નાનકડી ત્રણ ભૂલોએ તેમનો ભાંડો ફોડી નાખ્યો.”

“બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતાં અમને મૅચનો તમામ સામાન મળી આવ્યો અને ચાર લોકોની પણ ધરપકડ કરી. વધુમાં એ પણ ખબર પડી કે એક દિવસ અગાઉ રમાયેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચના ત્રણ લાખ રૂપિયા હવાલા મારફતે શોએબને મળ્યા હતા.”

શોર્ટકટથી પૈસા કમાવવા તરકટ રચનારી આ ટોળકી વિશે પીઆઈ રાઠોડ જણાવે છે, “આ સમગ્ર કૌભાંડનો પ્લાન રશિયામાં બન્યો હતો. શોએબે ખેલાડીઓને લાવવા માટે પણ પ્લાન ઘડ્યો હતો. તે આસપાસનાં ગામોમાં મજૂરીકામ માટે આવતા શ્રમિકોને સ્વચ્છ કપડાં અને શૂઝ આપતો હતો. આ સાથે એક દિવસના 400 રૂપિયા પણ ચૂકવવામાં આવતા હતા. આ તમામ લોકો સટ્ટાની બાબતથી અજાણ હતા.”

“રશિયામાં બેસીને બુકી તરીકે કામ કરનાર શોએબનો મિભ આરીફ ટૅલિગ્રામ ઍપ્લિકેશનની મદદથી દરેક બૉલ પર સૂચનાઓ આપતો હતો. મૅચ બાદ હવાલાથી પૈસા શોએબને મોકલાતા હતા. જે અહીં તમામ ખર્ચ ચૂકવીને બાકીના પૈસા રાખી લેતો હતો.”

એક સમયે ગુજરાતના સટ્ટાકિંગ ગણાતા દિનેશ કલગીના મૃત્યુ અગાઉ તેની સાથે સુદામા રિસોર્ટ અને ત્યાર બાદ અમદાવાદના સોલા વિસ્તારમાં સટ્ટાના અડ્ડા પર કામ કરનારા ડી. પી. પટેલ હાલ બધું જ કાળું કામ છોડી ચૂક્યા છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “મૅચ ફિક્સિંગનો સટ્ટો પહેલેથી થતો હતો. એમાં અમે 30 સૅકન્ડ પહેલાં બૉલ ટૂ બૉલ સટ્ટાનો ભાવ બદલતા હતા. ક્રિકેટરો સાથે પણ ગોઠવણ કરી શકાતી હતી પણ આવો કોઈ કિસ્સો અત્યાર સુધી સટ્ટાના કારોબારમાં નોંધાયો નથી.”

આ નકલી આઈપીએલ ટૂર્નામેન્ટમાં સટ્ટો રમનારા મોટા ભાગના લોકો રશિયાના મૉસ્કો, વૉરોનેઝ અને ત્વૅરના રહેવાસી હતા.

આ સમગ્ર નકલી ટૂર્નામેન્ટ ભારતમાં સંખ્યાબંધ બેરોજગાર લોકો અને રશિયામાં કેટલાક બુકીઓ મારફતે ચલાવવામાં આવતી હતી.

સ્પોર્ટ્સ પ્રોડ્યુસર અને આઈપીએલ ટીમના પૂર્વ ડિરેક્ટર જૉય ભટ્ટાચાર્ય કહે છે કે મહેસાણાથી પકડાયેલી નકલી લીગ ટૂર્નામેન્ટ જેવી ટુર્નામેન્ટો સટ્ટા માટે જ રમાતી હોય છે.

તેઓ કહે છે, “આવી ફિક્સ્ડ મૅચોનું આયોજકો લાઇવ સ્ટ્રિમિંગ કરે છે, જ્યાં અમ્પાયર ખેલાડીઓને સરાજાહેર સૂચનો આપતા હોય છે. બધું જ બનાવટી હોય છે.”

તેઓ કહે છે, “હાઇ ક્વૉલિટી કૅમેરા દ્વારા મૅચને યૂટ્યુબની એવી ચૅનલ પર પ્રસારિત કરાય છે, જેના ભાગ્યે દોઢસો સબસ્ક્રાઇબર્સ હોય. અમ્પાયરો વૉકી-ટૉકી દ્વારા મૅચના ઑર્ગેનાઇઝરો પાસેથી માહિતી મેળવે છે અને ખુલ્લેઆમ પ્લેયરોને આગળ શું કરવાનું છે, તેની સૂચના આપતા હોય છે.”

administrator
R For You Admin