ગુજરાતમાં ચોમાસાની શરૂઆતના એક જ મહિનામાં વાર્ષિક સરેરાશના 51 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ સતત યથાવત્ છે. ત્યાંની નદીઓ પણ ભયનજક રીતે વહી રહી છે. અત્યારસુધીમાં પાણીમાં ફસાયેલા આશરે 39,177 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આઠ જિલ્લાઓમાં શુક્રવાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
સુરત/ વડોદરા/ અમદાવાદ: નવસારી અને અન્ય જિલ્લાઓમાં ગુરુવારે પણ અતિભારે વરસાદ ચાલુ રહેતા, દક્ષિણ ગુજરાતમાં પૂરની ગંભીર સ્થિતિ બની રહી હતી. જ્યારે ચીખલી પાસે પાણીનો ભરાવો થઈ જતાં અમદાવાદ-મુંબઈ હાઈવે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. સતત ધોધમાર વરસાદના કારણે પૂર્ણા અને અંબિકા નદીઓ ભયજનક રીતે વહી રહી હતી, જેના લીધે નવસારી અને બીલીમોરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. નવસારી સિવાય વલસાડ, વડોદરા અને તાપી જિલ્લામાં પણ સતત ચોથા દિવસ મેઘરાજાએ ધબધબાડી બોલાવતાં ત્યાંના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં 43ના મોત
સત્તાવાર સૂત્રોનો જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં સાત જુલાઈથી અત્યારસુધીમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં 43 લોકોના મોત થયા છે. અમદાવાદમાં ફાર્મહાઉસની બાઉન્ડ્રી દિવાલ પાસે કામચલાઉ ધોરણે બનાવેલો શેડ તૂટી પડતાં બે મહિલા મજૂરો અને 16 વર્ષની છોકરીનું મોત થયું હતું. નવસારી, તાપી અને વડોદરા જિલ્લામાં NDRF, SDRF અને ફાયર બ્રિગેડ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
NDRF, SDRF અને ફાયર બ્રિગેડની બચાવ કામગીરી
નવસારી, તારી અને વડોદરા જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્ડ ફોર્સ (NDRF), SDRF અને ફાયર બ્રિગેડ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા ભારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવસારીમાં પૂરના પાણીમાં ફસાયેલા ઓછામાં ઓછા 100 લોકોને NDRF, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. NDRFની ટીમે કરજણના પૂરગ્રસ્ત કંડારી ગામમાંથી બે ગર્ભવતી મહિલાઓ અને 29 બાળકો સહિત આસરે 63 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. ટીમે ઢાઢર નદીના પાણીના કારણે સંભોઈ ગામમાં ફસાયેલા 150 લોકોને પણ ગણતરીના કલાકમાં રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. તાપીના ડોલવણ તાલુકામાં ફાયર બ્રિગેડે ગામમાં ફસાયેલા 10 લોકોને બચાવ્યા હતા.
ગુજરાતમાં પડ્યો 51 ટકા વરસાદ
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતના એક મહિનામાં જ તેના વાર્ષિક સરેરાશના 51 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભરૂચ અને વાપી વચ્ચેનો નેશનલ હાઈવે- 48 ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો જ્યારે ચીખલી અને વલસાડ વચ્ચેનો ભાગ પણ પાણીમાં ગરકાવ થયો હતો. જેના કારણે અધિકારીઓને વાહનોની અવરજવર અટકાવવાની ફરજ પડી હતી. રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 39,177 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 21,200 આશ્રયગૃહમાં રહી રહ્યા છે.
આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ
ભારે વરસાદની આગાહીના પગલે આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે સમગ્ર ગુજરાત મુખ્યત્વે દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો પર ‘ભારેથી અતિભારે વરસાદ’ની આગાહી આપી છે. ‘સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું આગળ વધી શકે છે. જેના કારણે શુક્રવારે અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક સ્થળોએ પણ ભારે વરસાદ પડી શકે છે’, તેમ IMD ગુજરાતના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.