અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વળી, કચ્છમાં 100 ટકાથી વધુ વરસાદ જ્યારે 15મી જુલાઈ સુધીના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે છેલ્લા પાંચ વર્ષનો રેકૉર્ડ તોડતો સિઝનનો 71 ટકા વરસાદ વરસ્યો હતો. નવસારીમાં 79 ટકા અને વલસાડમાં 81 ટકા વરસાદે તારાજી સર્જી છે.
બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ વરસી શકે છે. જો કે, રાજ્યમાં આ સિવાય આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત છે. માત્ર સામાન્ય ઝાપટાં પડે તેવી સંભાવના છે. દર વર્ષ કરતા આ વર્ષે મેઘરાજાનુ જોર વધુ રહેવા સાથે નવસારી અને વલસાડ જિલ્લામાં પૂર આવતા ભારે ખાનાખરાબી થઈ હતી અને પાણી હાઈવે પર ફરી વળતા હાઈવે બંધ કરી દેવો પડ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં આવી સ્થિતિનુ નિર્માણ આ વર્ષે જ થયુ છે.
આ વર્ષે ચારથી છ ગણો વરસાદ વધુ થયો સિઝનના વરસાદના આંકડા જોઈએ તો આ વર્ષે ચારથી છ ગણો વરસાદ વધુ થયો છે. તાપીમાં 31 ટકા, નવસારીમાં 58 ટકા, વલસાડમાં 73 ટકા વરસાદ નોંધાયો છે. આમ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 18 ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરના સાત ઝોનમાં કુલ 4358 ખાડા પડ્યા છે તેમજ 28 જગ્યાએ બ્રેકડાઉન થયુ છે જે પૈકી 21 સ્થળોએ કામગીરી ચાલુ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આગામી 48 કલાક દરમિયાન દ. ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અરબ સાગરમાં સક્રિય થયેલ લો પ્રેશર સોમવારે બપોર પછી મધ્યપ્રદેશની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી અમદાવાદમાં બે દિવસ મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે, છેલ્લા બે દિવસથી છૂટાછવાયા ઝાપટાંના કારણે ગરમી અને બફારાનુ પ્રમાણ વધી ગયુ છે. રવિવારે અમદાવાદનુ મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી નોંધાયુ હતુ. 20 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેવાનુ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યુ છે. લો પ્રેશરની અસરના કારણે આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.