ગુજરાત મધ્ય ગુજરાત

વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી અત્યાર સુધીમાં 3,400થી વધુ ગુનાખોરીના કેસ સરળતાથી ઉકેલાયા – સી.એમ.

સોમનાથ, દ્વારકા, અંબાજી, કેવડિયા જેવાં અગત્યનાં સ્થળોને પણ આવરી લેવામાં આવ્યાં છે.

સ્માર્ટ પોલીસીંગ ઈનિશિએટિવ’ અંતર્ગત બહુવિધ પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસના સર્વોચ્ચ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં ત્રિ-નેત્રના શુભારંભ થયો છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલું આ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખરા અર્થમાં સરકારનું ત્રીજું નેત્ર બની નાગરિકોને વધુ સુરક્ષા પૂરી પાડવા મહત્વનો રોલ અદા કરશે. વિશ્વાસ પ્રોજેક્ટ સ્માર્ટ પોલિસિંગ માટે પોલીસ દળનું મહત્વનું પરિબળ પુરવાર થઈ રહ્યું છે.

જે અંતર્ગત 7,000થી વધુ સીસીટીવી કેમેરાના રાજ્યવ્યાપી નેટવર્કથી રાજ્યના તમામ જિલ્લા મુખ્યમથકો ઉપરાંત સોમનાથ, દ્વારકા, અંબાજી, કેવડિયા જેવાં અગત્યનાં સ્થળોને પણ આવરી લેવામાં આવ્યાં છે. વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી અત્યાર સુધીમાં 3,400થી વધુ ગુનાખોરીના કેસ સરળતાથી ઉકેલવામાં સફળતા મળી છે. આગામી સમયમાં રાજ્યભરમાં વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાહનચોરી, મોબાઈલની ચોરી કે એવી બીજી ગુનાઈત ઘટના, કે જેમાં કોઈ મારઝૂડ ન થઈ હોય, કોઈને ઈજા ન પહોંચી હોય, તેવા કેસમાં હવે નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે ટેકનોલૉજીના માધ્યમ થકી રાજ્ય સરકારે ઓનલાઈન e-FIR નોંધાવવાની સુવિધા આજથી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. રાજ્યમાં માનવ તસ્કરીને અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એન્ટી હ્યુમન-ટ્રાફિકિંગ યુનિટના 80 જેટલાં વાહનોનો શુભારંભ આજથી થયો છે, તે આવી ગુનાખોરીને ડામવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી માનવતાની મોટી સેવા કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

administrator
R For You Admin