શ્રાવણ નો મહિનો ભગવાન શિવજીને ખુબ જ પ્રિય છે. શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનામાં શિવજી નિમિત વ્રત અને દરરોજ તેમની વિશેષ પુજા આરાધના કરે છે. શ્રાવણનો મહિનો મનોકામનાઓને ઇચ્છિત ફળ પ્રદાન કરનાર છે. આજથી દેશના બધા શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. શ્રાવણ મહિનાના બધા સોમવારના દિવસોમાં ભોલેબાબાનાં દર્શન અને પુજા અર્ચના માટે જ્યોતિર્લિંગો તથા શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે.
દરેક મહિનો કોઈને કોઈ દેવતાઓ સાથે સંબંધિત હોય છે. જેના અંતર્ગત શ્રાવણ મહિનો ભગવાન શિવજી સાથે જોડાયેલ છે. શ્રાવણ મહિનાનાં સમય દરમિયાન શિવ આરાધનાનું વિશેષ મહત્વ હોય છે. કહેવામાં આવે છે કે આ મહિનાઓમાં જે મનોકામના માંગવામાં આવે તે અવશ્ય પુર્ણ થાય છે. આ મહિનામાં આવતા સોમવારને “શ્રાવણીયા સોમવાર” કહેવામાં આવે છે, જેમાં સ્ત્રીઓ તથા ખાસ કરીને કુંવારી યુવતીઓ ભગવાન શિવ સાથે નિમિત વ્રત રાખે છે.
હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન શિવને આખા બ્રહ્માંડના પિતા માનવામાં આવે છે. તે બધા દેવતાઓમાં સૌથી દિવ્ય છે. મહાદેવ અથવા સૌથી મહાન દેવતાના રૂપમાં પણ શિવજીને ઓળખવામાં આવે છે. ભગવાન શિવજીની પુજા કરવાથી મનુષ્યને સુખ-સમૃદ્ધિ, ધન અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે, સાથોસાથ માનસિક શાંતિ પણ મળે છે. જો તમે મુસીબતનો સામનો કરી રહ્યા છો અને જીવનનો સંઘર્ષ ખતમ નથી થઈ રહ્યો તો તમારે સોમવારના દિવસે ભગવાન શિવને પ્રાર્થના કરવી જોઈએ અને તેમને પ્રસન્ન કરવા માટે શિવજીના અમુક ઉપાય કરવા જોઈએ.
એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની આસપાસ જો પાણી હોય છે તો તેઓ ખુબ જ ખુશ થાય છે. એ જ કારણ છે કે તેમના મંદિરોમાં શિવલિંગ ઉપર હંમેશા જળથી ભરેલ કળશ રાખવામાં આવે છે. સોમવારના દિવસે જો શિવલિંગ પર ફક્ત જળ ચડવામાં આવે તો પણ મનુષ્યની બધી ઈચ્છાઓ પુરી થઈ જાય છે. જળ અથવા દુધથી શિવ અભિષેક કરતાં સમયે તમારે શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. કારણ કે તેનાથી તમારા મનને શાંતિ મળે છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
જાણો શિવજીનાં ૧૧ ચમત્કારિક નામ મંત્ર અને ઉપાય
સોમવારના દિવસે સુર્યોદય બાદ તુરંત સ્નાન કરીને તમારે શિવલિંગ ઉપર ૧૧ ચોખા એટલે કે આખા ચોખા “શ્રીરામ” નું નામ ઉચ્ચારણ કરીને અર્પિત કરવા જોઈએ. ધ્યાન રાખો કે નામ શિવજીને બદલે ભગવાન શ્રીરામનું લેવાનું છે. સાથોસાથ દરેક ચોખાની સાથે પોતાની મનોકામના પણ કહેતી જવી. આવું તમારે ઓછામાં ઓછું ૧૧ સોમવાર સુધી કરવાનું રહેશે.
શિવલિંગ ની પુજા તમે જ્યારે પણ કરો તે પહેલા પંચામૃતથી તેને સ્નાન કરાવો અને ત્યારબાદ ભસ્મથી ત્રણ આડા લીટા વાળું તિલક જરૂરથી કરો. આ તિલક કરતા સમયે તમારે પોતાના મનમાં જે કષ્ટ હોય તે કહેવાના છે. જો કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થઈ રહી હોય તો તમારે શિવલિંગ ઉપર દુધ મિશ્રિત જળ કાળા તલ ઉમેરીને ચડાવવું જોઈએ.
સુખી વૈવાહિક જીવન માટે દંપતીએ સાથે મળીને શિવજીને કનેર, ધતુરા, આંકડા, ચમેલી વગેરેના ફુલ ચડાવવા જોઈએ. પ્રત્યેક સોમવારના દિવસે શિવલિંગની પુજા કર્યા બાદ શિવજીના ૧૧ ચમત્કારિક નામ મંત્રનો જાપ કરો. તેના માટે રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ અથવા તો તમે મંદિરમાં બેસીને મંત્ર વાંચો અથવા તો ઘરમાં ઘાસનાં આસન ઉપર બેસીને જાપ કરો આ છે. શિવજીના ૧૧ નામ મંત્ર –
ૐ અઘોરાય નમઃ
ૐ પશુપતયે નમઃ
ૐ શર્વાય નમઃ
ૐ વિરૂપાક્ષાય નમઃ
ૐ વિશ્વરૂપીણે નમઃ
ૐ ત્રંબકાય નમઃ
ૐ કપર્દીને નમઃ
ૐ ભૈરવાય નમઃ
ૐ શુલપણાયે નમઃ
ૐ ઇશાનાય નમઃ
ૐ મહેશ્વરાય નમઃ.
શિવજીના ઉપાય એક વખતે એક જ કરવો જોઈએ. બધા ઉપાય એક સાથે અજમાવવાની ભૂલ કરવી નહીં એક ઉપાય મનમાં શ્રદ્ધાભાવ રાખીને ૧૧ સોમવાર સુધી કરવો.