દેશ-વિદેશ

‘અમે શિવસેના છોડી નથી, નેતા બદલવા માંગીએ છીએ’

શિવસેના પર દાવાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એકનાથ શિંદે જૂથે બુધવારે કહ્યું કે, અમે લોકોએ પાર્ટી નથી છોડી. એકનાથ શિંદે જૂથના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, આ મામલે દલ-બદલ કાયદો લાગુ ના થઈ શકે. એ ત્યારે જ લાગુ થાય, જ્યારે ધારાસભ્યો અથવા સાંસદ કોઈ બીજી પાર્ટીમાં જાય અથવા તો પાર્ટી છોડી દે.

એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો માત્ર પાર્ટીના નેતૃત્વથી નારાજ છે અને અલગ જૂથ તરીકે દાવો ઠોકી રહ્યાં છે, કારણ કે બહુમત તેમની સાથે છે. સાંસદ અને ધારાસભ્યોની બહુમતી એકનાથ શિંદે જૂથ સાથે છે. શિંદે જૂથના ધારાસભ્યો અને સાંસદ ઈચ્છે છે કે, પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન કરવામાં આવે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ મામલો પાર્ટીથી અલગ થવાનો નથી, પરંતુ પાર્ટીની અંદર જ તણાવ અને પરિવર્તનની માંગનો છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના વકલી કપિલ સિબ્બલે કહ્યું કે, બળવાખોર ધારાસભ્યો પાર્ટી પર પોતાનો દાવો ના કરી શકે. હજુ પણ ત્રીજા ભાગના ધારાસભ્યો પાર્ટીની સાથે જ છે. તેમણે દલીલ કરી છે કે, બળવાખોર ધારાસભ્યોને નવી પાર્ટી બનાવવી પડશે અથવા તો અન્ય કોઈ પાર્ટીમાં સામેલ થવું પડશે. એકનાથ શિંદે સરકારની રચના પણ ખોટી રીતે થઈ છે. આથી તેમના દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો પણ ગેરકાયદે છે.

indiatvnews.com

કપિલ સિબ્બલે દલીલ કરી છે કે, તમે એ દાવો ના કરી શકો કે, તમે રાજનીતિક પાર્ટી છો. તમે આ વાત ગુવાહાટીમાં બેસીને કરી રહ્યાં છો કે, તેઓ રાજનીતિક પાર્ટી છે. જેનો નિર્ણય ચૂંટણી પંચ તરફથી કરવામાં આવે છે. તમે ગુવાહાટીમાં બેસીને તેની જાહેરાત ના કરી શકો.

અભિષેક મનુ સિંઘવીએ પણ શિંદે જૂથનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે, શિંદે જૂથ પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે. તેઓ ભાજપ સાથે વિલય કરી નાંખે, જે તેઓ નથી કરી રહ્યા. એવામાં ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ કૃષ્ણ મુરારી તેમજ હિમા કોહલીની બેંચે સુનાવણી ગુરુવાર સુધી ટાળી દીધી છે.

આ તર્કનો જવાબ આપતા હરીશ સાલ્વેએ કહ્યું કે, ભારતમાં અમે રાજનીતિક પાર્ટીઓના કેટલાક નેતાઓને નામથી જાણીએ છીએ. અમારો સંદર્ભ શિવસેના સાથે છે. અમારા મુખ્યમંત્રીએ અમને મળવાનો ઈન્કાર કરી દીધો. અમે મુખ્યમંત્રીને જ બદલવા માંગીએ છીએ. આ પાર્ટી વિરોધી ગતિવિધિ નથી, પરંતુ પાર્ટીની અંદરની આંતરિક લડાઈ છે. જો મોટી સંખ્યામાં ધારાસભ્યો મુખ્યમંત્રીના કામકાજથી સંતુષ્ટ નથી તો પછી તેઓ પરિવર્તનની માંગ કેમ નથી કરી શકતા. એકનાથ શિંદે જૂથે કહ્યું કે, અમે શિવસેનાનું સભ્યપદ નથી છોડ્યુ. અમે મિટિંગમાં નથી જઈ રહ્યા એનો અર્થ એવો નથી કે, અમે પાર્ટી છોડી દીધી છે.

editor
R For You Desk