વાપીમાં મોરારજી સર્કલ નજીક GIDC ના 2nd ફેઝમાં પ્લોટ નંબર 222માં કાર્યરત શ્રીજી સ્વીટ, નમકીન એન્ડ વેફર્સ નામની પેઢીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખોનો તૈયાર માલ અને કાચો માલ બળીને ખાખ થયો છે. ફાયર વિભાગના જવાનોએ 5 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
વાપી ફાયર વિભાગ તરફથી મળતી વિગતો મુજબ મંગળવાર-બુધવારની રાત્રે વાપી GIDC 2nd ફેઝમાં આવેલ શ્રીજી વેફર્સ નામની કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતા આસપાસમાં અફરાતફરી મચી હતી. આગની વિકરાળ જ્વાળાએ કંપનીને પોતાની ચપેટમાં લીધી હતી. જેના પર કાબુ મેળવવા ફાયરની ગાડીઓ રવાના કરાઈ હતી. વાપી નોટિફાઇડ ફાયરે જવાનો સાથે 4 વોટર બ્રાઉઝર મોકલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલ હોય વાપી નગરપાલિકા ફાયરના જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતાં. કંપનીમાં મોટી માત્રામાં વેફર્સ, નમકીન, સ્વીટ્સ જેવા ખાદ્ય પદાર્થો બનાવવામાં આવતા હતાં. અચાનક લાગેલી આગમાં કંપનીમાં સ્ટોર કરાયેલ તેલ-ઘી સહિતનો જથ્થો હતો. જેથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે નજીકના રહેઠાણ વિસ્તારોમાં ધુમાડો ફેલાતા લોકોમાં પણ ડર નો માહોલ ઉત્પન્ન થયો હતો. ફાયર વિભાગના જવાનોએ વહેલી સવાર સુધી આગ પર પાણી નો મારો ચલાવી આગ પણ કાબુ મેળવ્યો હતો. આગ કઈ રીતે લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આગમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે કોઈ જાનહાની નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.