દેશ-વિદેશ

સલામત છે જોરદાર મૂછોવાળો BSFનો જવાન, શહીદ થયો હોવાની વાત અફવા

Fact Check: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં લશ્કરી યુનિફોર્મ પહેરેલો એક જવાન હસીને જીવન અને મૃત્યુની વાત કરી રહ્યો છે, આ વીડિયો તમે પણ જોયો જ હશે

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં લશ્કરી યુનિફોર્મ પહેરેલો એક યુવક (BSF Jawan) હસીને જીવન અને મૃત્યુની વાત કરી રહ્યો છે. જોકે આ જવાનના શહીદ થવાના સમાચાર મળે તો તમને કેવો આંચકો લાગે. સોશિયલ મીડિયા પર આવા જ એક સમાચાર વાયરલ થઇ રહ્યા છે. આ જવાન સાથે એક મૂછવાળા જવાનની તસવીર લગાવવામાં આવી છે. મૂછવાળા વ્યક્તિના મૃતદેહને ફૂલો અને હાર પહેરાવવામાં આવ્યો છે. બંનેની મૂછોમાં સમાનતા જોવા મળે છે.

વીડિયો અને તસવીરના આ કોલાજની સાથે લખ્યું છે કે, “શહીદ થઇ ગયા યાર, તમને કોઇકની નજર લાગી ગઇ.” અને તેની સાથે હિન્દી ફિલ્મનું ગીત ‘જીના હૈ તો હંસ કે જીયો જીવન મેં એક પલ ભી રોના ના..’ ઉમેરવામાં આવ્યું છે. આ કોલાજને શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું, “15 ઓગસ્ટે વીડિયો બનાવવામાં આવ્યો હતો, આજે તમે શહીદ થશો. દેશના લાલને મારી સલામ, અમને તમારા પર ગર્વ છે, તમને મારી સલામ.”

પરંતુ આ તસવીરમાં કેટલું સત્ય છે, તે જાણવા ઇન્ડિયા ટૂડેની ટીમે ફેક્ટ ચેક કર્યુ હતું. જેમાં જાણવા મળ્યું કે, વીડિયોમાં દેખાતા જવાનની શહીદ થવાની વાત ખોટી છે. વાયરલ પોસ્ટમાં જે વ્યક્તિની તસવીર છે, તે જેસલમેરના રહેવાસી અને સેનાના જવાન રાજેન્દ્ર સિંહ હતા. જે 2019માં શહીદ થઇ ગયા હતા. જ્યારે આ વાયરલ વીડિયોમાં દેખાતા જવાનનું નામ વિરેન્દ્ર સિંહ છે, જે બીએસએફના કોન્સ્ટેબલ છે. અને હાલ તેઓ બાંગ્લાદેશની બોર્ડર પર ફરજ બજાવી છે.

કઇ રીતે સામે આવ્યું સત્ય
જ્યારે વાયરલ કોલાજમાં જોવા મળેલી તસવીરને રિવર્સ સર્ચ દ્વારા સર્ચ કર્યું તો યુટ્યુબ પર એક વીડિયો મળ્યો હતો. આ વીડિયોનું કેપ્શન હતું, “શહીદ રાજેન્દ્ર સિંહના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર” આ વીડિયો 30 સપ્ટેમ્બર, 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

આ વીડિયોમાં દેખાતી શહીદની તસવીર વાયરલ કોલાજની તસવીર સાથે બિલકુલ મેચ થાય છે. આ સિવાય અમને ફેસબુક પર તે જ તસવીર મળી, જે વાયરલ પોસ્ટમાં છે. 30 સપ્ટેમ્બર 2019ના રોજ આ તસવીર પોસ્ટ કરતાં એક ફેસબુક યુઝરે લખ્યું, “અંતિમ દર્શન, શહીદ રાજેન્દ્રસિંહ ભાટી, જેસલમેર 30.09.2019”. સર્ચ કરવા પર અમને જેસલમેરના શહીદ રાજેન્દ્ર સિંહના અંતિમ સંસ્કાર વિશે માહિતી આપતા સપ્ટેમ્બર, 2019ના ઘણા મીડિયા અહેવાલો મળ્યા હતા. 22 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત નાઈક રાજેન્દ્ર સિંહ સપ્ટેમ્બર, 2019માં કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા.

તસવીર બાદ અમને જાણવા મળ્યું કે વીડિયોમાં બોલતો જવાન કોણ છે. કીવર્ડ્સનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો સર્ચ કરવા પર અમને ટ્વિટર પર અન્ય એક વર્ઝન પણ મળ્યુ હતું. આ વીડિયોમાં @BelakobaOfficialનો વોટરમાર્ક છે. અમને ફેસબુક પર “બેલાકોબા” નામનું પેજ પણ મળ્યું. આ પેજ પરથી જાણવા મળ્યું કે આ વીડિયો પ્રસન્નજીત નામના વ્લોગરે યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે. અમને યુટ્યુબ ચેનલ પણ મળી જ્યાં આ જવાનનો સંપૂર્ણ ઇન્ટરવ્યુ જોઇ શકાય છે. આ વીડિયો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચેની ‘ગેડે બોર્ડર’ પર શૂટ કરવામાં આવ્યો છે. યુનિફોર્મ અને ખભા પરનો બેજ દર્શાવે છે કે તે સીમા સુરક્ષા દળ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)નો જવાન છે.

અમે સમગ્ર વીડિયો પાછળનું સત્ય જાણવા માટે BSF પ્રવક્તાનો સંપર્ક કર્યો. ત્યારે તેમણે પુષ્ટિ કરી કે વીડિયોમાં દેખાતો જવાન બીએસએફનો કોન્સ્ટેબલ વિરેન્દ્ર સિંહ છે. તેમણે કહ્યું કે વીરેન્દ્ર સિંહના શહીદ હોવાનો દાવો ખોટો છે અને તે હાલમાં પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં પોસ્ટેડ છે.

administrator
R For You Admin