સુરત-ઓલપાડને જોડતા સરોલી બ્રીજ પર રોડનો ભાગ બેસી જવાની ઘટનાને 8 દિવસ થઇ ગયા છે. બ્રિજ અત્યંત જર્જરિત હોવાથી રિપેરીંગ બાદ વાહનવ્યવહાર માટે શરૂ કરવો જોખમી બની શકે છે. જેથી પ્રાયોરિટીના ધોરણે બાજુમાં નવા બની રહેલા ફલાય ઓવરનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તજવીજ હાથ ધરાઇ છે.
આમ તો બ્રિજનું કામ પૂર્ણ થતા 5થી 6 મહિના લાગે એમ છે. જો કે, મુખ્ય માર્ગ હોય લાખો લોકોને અસર થાય એમ છે. જેથી 3 મહિનામાં નવો બ્રિજ શરૂ થઇ જાય તે માટે ઝડપથી કામ કરાવવા અધિકારીઓને મ્યુ.કમિશનરે સૂચના આપી છે. હાલમાં વાયા જોથાણ જવું પડે છે. જેથી વાહનચાલકોને 7 કિલોમીટરનો ચકરાવો પડે છે.
ટ્રાફિકને કારણે 30 મિનિટનો સમય વધુ વેડફાઇ રહ્યો છે. મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, બાજુમાં નવો બ્રિજ બની રહ્યો છે. જેમાં 5 ખેડૂતોની જમીન જાય છે. જેમાંથી 4 સંમત થયા છે. જ્યારે 1 ખેડૂતને સમજાવાઈ રહ્યા છે. બ્રિજ માટે જરૂરી કબ્જો મળી જાય તો બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરાશે.