દેશ-વિદેશ

USA જવા નીકળેલા ઉત્તર ગુજરાતના 4 લોકો તુર્કીથી ડિપોર્ટ, દિલ્હી પોલીસે અમદાવાદથી એજન્ટને ઉઠાવ્યો

વાયા તુર્કી અમેરિકા જવા નીકળેલા ચાર લોકોએ દિલ્હી પોલીસને પૂછપરછમાં અમદાવાદના એક એજન્ટનું નામ આપ્યું, મુંબઈના લોકો સાથે ઓપરેટ કરતો એજન્ટ કરી આપતો વિઝાની ‘ગોઠવણ’. વિશાલ નામના એજન્ટે ફેક ડોક્યુમેન્ટના આધારે ગુજરાતમાંથી કેટલાક લોકોને વિદેશ મોકલ્યા હોવાની આશંકાના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી, 18 ઓગસ્ટે થઈ હતી વિશાલની ધરપકડ.

અમદાવાદ: લાખો રુપિયા લઈ લોકોને ગેરકાયદે વિદેશ મોકલતા અમદાવાદના એક એજન્ટને દિલ્હી પોલીસ હાલમાં જ ઉઠાવી ગઈ હતી. આ એજન્ટની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદનો આ એજન્ટ પોતાની ગેંગ સાથે નકલી વિઝાનું રેકેટ ચલાવતો હતો. 07 જુલાઈના રોજ માનવ તસ્કરીનો એક કેસ દિલ્હી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેની તપાસમાં અમદાવાદના એજન્ટ વિશાલ બરમાટેનું નામ ખૂલ્યું હતું. વિશાલ અને તેની ગેંગ અમેરિકાના ફેક વિઝા પૂરા પાડતી હતી.

સરકારી ઓફિસોમાંથી વિઝા સ્ટીકર્સ મેળવતા હતા એજન્ટ

સૂત્રોનું માનીએ તો, અલગ-અલગ વિઝા સ્ટીકર્સ મેળવીને આ લોકો વિદેશ જવા માગતા વ્યક્તિના પાસપોર્ટ પર ચોંટાડી દેતા હતા. વિશાલ મુંબઈના કેટલાક લોકો સાથે મળીને કામ કરતો હતો. દિલ્હી પોલીસે 18 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. અમદાવાદ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, વિશાલની ગેંગ અલગ-અલગ સરકારી ઓફિસોમાંથી ગેરકાયદે રીતે વિઝા સ્ટીકર્સ મેળવી લેતી હતી. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, વિશાલે ઉત્તર ગુજરાતના કેટલાક લોકોને ફેક વિઝા પુરા પાડ્યા હતા.

દિલ્હી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ

IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 07 જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ અનુસાર, એપ્રિલ-મે મહિનામાં ફેક ડોક્યુમેન્ટના આધારે વિદેશ ગયેલા ચાર લોકોની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય લોકો મહેસાણાના હતા. જેમના નામ હર્ષદ પટેલ (ધોલાસણ), જતીન નાઈ (કડી), દિક્ષિત પટેલ (મોકાસણ) અને હિતેષ ત્રિવેદી (વિસનગર) હોવાનું ખૂલ્યું હતું. આ ચારેય લોકોને તુર્કીની સરકારે ડિપોર્ટ કરી દિલ્હી મોકલ્યા હતા. જેવા તેઓ એરપોર્ટ પર લેન્ડ થયા કે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. તુર્કીની સરકારે તમામ ફેક ડોક્યુમેન્ટના આધારે તુર્કીમાં પ્રવેશ્યા હોવાનું કારણ આપી તેમને ડિપોર્ટ કર્યા હતા.

ફેક દસ્તાવેજ પર તુર્કી પહોંચેલા લોકોને ડિપોર્ટ કરાયા હતા

નવાઈની વાત એ છે કે, ફેક ડોક્યુમેન્ટના આધારે તુર્કી પહોંચેલા આ ચારેય લોકોએ પોતાની ઓળખ ખલાસી તરીકે આપી હતી. સામાન્ય રીતે જહાજ પર કામ કરતા લોકોને વિઝાની જરુર નથી હોતી, કારણકે ક્રુઝ કંપની અને જે-તે દેશ વચ્ચે આ બાબતે કરાર થયેલા હોય છે. તુર્કીથી પાછા મોકલાયેલા આ લોકોને દિલ્હી પોલીસે ઠગાઈ, બનાવટ તેમજ નકલી દસ્તાવેજોને અસલી ગણાવવા સંબંધિત ગુના દાખલ કર્યા હતા. આ કેસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મૂળ અમદાવાદનો અને મુંબઈ રહેતો વ્યક્તિ પણ પોલીસને હાથ લાગ્યો છે. આ વ્યક્તિએ જ પોલીસને જણાવ્યું હતું કે મુંબઈના એજન્ટો પાસે વિઝા સ્ટીકર્સ છે, જેનો ઉપયોગ લોકોને ગેરકાયદે વિદેશ મોકલવા માટે થાય છે.

એજન્ટો વાયા તુર્કી લોકોને અમેરિકા પહોંચાડે છે

ઉલ્લેખનીય છે કે, ગેરકાયદે રીતે અમેરિકા જવા ઈચ્છતા લોકો યેન-કેન પ્રકારે પહેલા તુર્કી પહોંચે છે, જ્યાંથી એજન્ટો તેમને મેક્સિકો લઈ જાય છે અને મેક્સિકોથી તેમને જમીન માર્ગે કે પછી દરિયાઈ માર્ગે ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરાવી અમેરિકામાં ઘૂસાડી દેવાય છે. તુર્કી પહોંચેલા લોકોને મેક્સિકોના નકલી પાસપોર્ટ અપાતા હોવાનું પણ અગાઉ પોલીસ તપાસમાં ખૂલ્યું હતું, જેમાં મેક્સિકોથી ઓપરેટ કરતા અને મૂળ ભારતીય એજન્ટોની સંડોવણી પણ બહાર આવી હતી. થોડા દિવસ પહેલા જ પરિવાર સાથે ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળેલા ઉત્તર ગુજરાતના એક યુવકને એજન્ટોએ મેક્સિકોમાં ઢોર માર માર્યો હતો. આ યુવકે દોઢ કરોડમાં ડીલ કરી હતી, પરંતુ તે 50 લાખ રુપિયા ના આપી શકતા એજન્ટોએ તેને ટોર્ચર કર્યો હતો જેના કારણે તેને ખાસ્સા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

administrator
R For You Admin