રાહુલ ગાંધીનું 5મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે આગમન થશે. ત્યાંથી તેઓ બપોરે 12-45 કલાકે રિવરફ્રન્ટ પર પહોંચશે. રસ્તામાં ત્રણ સ્થળે યૂથ કોંગ્રેસ, NSUI તથા શહેરના લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે
જરાતમાં ચૂંટણીની હાર પાછળનાં કારણો જાણવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્રારા તબક્કાવાર સર્વે કરાવવામાં આવ્યો હતો. આ સર્વેમાં ખાસ કરીને ઉમેદવારોની પસંદગીથી માંડીને પસંદગી પ્રક્રિયામાં વિલંબ, ચૂંટણીનું બૂથ લેવલે નબળું મેનેજમેન્ટ હોવાની સાથોસાથ ચૂંટણી સંચાલન જવાબદાર હોવાની હકીકતો પ્રકાશમાં આવી હતી. આ બાબતોને નજર સમક્ષ રાખીને કોંગ્રેસ દ્વારા પહેલીવાર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટ પર ભાર મૂક્યો છે. એના ભાગરૂપે જ 5મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા રાહુલ ગાંધી સાથે રિવરફ્રન્ટ પર ગુજરાતનાં 52 હજાર બૂથના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. એટલું જ નહીં, પરંતુ તેમનો તેમના વિસ્તારના ઉમેદવારો માટે મત પણ મેળવવાના હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થવા પામી છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું 5મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે આગમન થશે. ત્યાંથી તેઓ બપોરે 12-45 કલાકે રિવરફ્રન્ટ પર પહોંચશે. રસ્તામાં ત્રણ સ્થળે યૂથ કોંગ્રેસ, NSUI તથા શહેરના લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. રિવરફ્રન્ટ પરનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ પ્રાદેશિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા તથા માર્ગદર્શન આપીને સાંજે જ દિલ્હી જવા રવાના થશે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ગરમાવો આવતો જાય છે. ભાજપ તરફથી ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એ જ રીતે ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક પરથી ચૂંટણીમાં ઝુકાવવા માટેની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી દીધી છે.
આ ચૂંટણી વહેલી યોજાશે એના તાણાંવાણાં વચ્ચે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર પણ વધી ગઇ છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન તથા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ 5મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અમદાવાદમાં આવીને ચૂંટણીનું વિધિવત રણશિંગુ ફૂંકશે, એક દિવસની મુલાકાતે આવનારા રાહુલ ગાંધી ગુજરાતના 52 હજાર બૂથના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. એની સાથોસાથ પ્રાદેશિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરીને સાંજે દિલ્હી પરત ફરશે.
10મી સપ્ટેમ્બરે મોંઘવારી, બેરોજગારી મુદ્દે ગુજરાત બંધનું એલાન ગુજરાત જ નહીં, બલકે સમગ્ર દેશમાં મોંઘવારી અને બેરોજગારીએ ભારે માઝા મૂકી છે. એને ધ્યાનમાં લઈને જ ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી તથા બેરોજગારીના મુદ્દે તા. 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનને સફળ બનાવવા માટે હાલ મિટિંગોનો દૌર ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીની વિદાય બાદ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરના રોજ સાંજે જ દિલ્હી પરત ફરશે. ત્યાર બાદ સાંજે જ ગુજરાતના ઉમેદવારો નક્કી કરવા માટે ચૂંટણી સમિતિના ચેરમેન પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નેજા હેઠળ ચૂંટણી સમિતિની પહેલી બેઠક યોજાશે. આ સાથે સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન રમેશ ચેનીથલ્લાની આગેવાનીમાં પણ સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજવામાં આવવાની હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી 15મી સપ્ટેમ્બરના રોજ જાહેર થશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ તરફથી 15મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવવાની હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. 30થી 40 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે એવી સંભાવના છે. હર હર બૂથ, ઘર ઘર બૂથ અભિયાન હાથ ધરાશે ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાયાને મજબૂત કરવા માટે ‘હર હર બૂથ, ઘર ઘર બૂથ’ના સૂત્ર હેઠળ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા કક્ષાથી માંડીને પ્રાદેશિક કક્ષાના એક હજાર નેતાઓને આઇડેન્ટિફાઇડ કરવામાં આવ્યા છે. આ દરેક નેતાઓ પોતાના બૂથનાં 10 ઘરના પરિવારની દરરોજ મુલાકાત લેશે. 26, 27 અને 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલનારા આ અભિયાન અંતર્ગત એક હજાર નેતા દરરોજ 10 બૂથની મુલાકાત લેતા 30 હજાર બૂથ વિસ્તારમાં ફરશે અને સ્થાનિક રહીશો જોડે વાર્તાલાપ કરશે. બાકીનાં 22 હજાર બૂથ માટેના નેતાઓને આઇન્ડેન્ટિફાઇ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે બીજા તબક્કામાં ‘હર હર બૂથ, ઘર ઘર બૂથ’ના અભિયાનને આગળ ધપાવશે.