ઉત્તર ગુજરાત ગુજરાત

નકલી પાસપોર્ટ પર દુબઈ પહોંચી વાયા મેક્સિકો થઈ અમેરિકા જવા નીકળેલું ખેડાનું દંપતી ઝડપાયું

હિતેષ પટેલ અને તેમના સરકારી સ્કૂલમાં નોકરી કરતા શિક્ષિકા પત્ની બિનલ પટેલ અગાઉ પણ આયર્લેન્ડથી ડિપોર્ટ થયા હતા, આ વખતે તેઓ ફ્લાઈટમાં બેસે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ ગયા. કપલ સાથે ચાર વર્ષની દીકરી પણ હતી, બહેન-બનેવી અમેરિકામાં સારું કમાતા હોવાથી હિતેષ ગમે તેમ કરીને અમેરિકા પહોંચવા માગતો હતો.

અમદાવાદ: ફેક પાસપોર્ટ પર વિદેશ જતાં પકડાઈ ગયેલી કોઈ વ્યક્તિ ફરી આવી હિંમત ના કરે તે સ્વાભાવિક છે. પરંતુ ખેડા જિલ્લાના હિતેષ પટેલ અને બિનલ પટેલની કહાની કંઈક અલગ જ છે. ચાર વર્ષ પહેલા તેમને આયર્લેન્ડથી ફેક પાસપોર્ટના ગુનામાં ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જોકે, ફરી તેઓ આ જ રીતે નકલી પાસપોર્ટના આધારે અમેરિકા જવા નીકળ્યા હતા. પરંતુ આ વખતે તેઓ અમદાવાદ એરપોર્ટ પર જ પકડાઈ ગયા છે. આ કપલ દુબઈની ફ્લાઈટ પકડવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હતું, પરંતુ તેઓ દુબઈ પહોંચે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર તેમનો પાસપોર્ટ નકલી હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરી લેવાઈ હતી

આરોપી મહુધા તાલુકાના સિંગાલી ગામનો

કોઈપણ ભોગે અમેરિકા સેટલ થવા માગતા હિતેષ પટેલ અને તેમના પત્ની બિનલ પટેલે ચાર વર્ષ પહેલા વાયા આયર્લેન્ડ થઈને અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાંથી તેઓ નકલી પાસપોર્ટના આધારે નીકળી પણ ગયા હતા, પરંતુ આયર્લેન્ડમાં તેઓ ઝડપાઈ ગયા હતા. જ્યાંથી તેમને ડિપોર્ટ કરી ભારત મોકલી દેવાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 32 વર્ષના હિતેષ પટેલ ખેડાના મહુધા તાલુકાના સિંગાલી ગામના વતની છે, જ્યારે તેમના પત્ની બિનલ પટેલ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. અગાઉ પોતે ડિપોર્ટ થયેલા છે તેની વિગોત છૂપાવવા માટે તેમજ નકલી પાસપોર્ટ પર પ્રવાસ કરવાના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી છે.

ડોક્યુમેન્ટ ચેક થઈ રહ્યા હતા ત્યારે જ ઝડપાયા

રવિવારે મોડી સાંજે તેઓ દુબઈની ફ્લાઈટ પકડવા અમદાવાદ એરપોર્ટ આવ્યા ત્યારે તેમની ચાર વર્ષની દીકરી પણ તેમની સાથે હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટર્મિનલ-2 પર ઈમિગ્રેશન ઓફિસર જગદીશ પ્રજાપતિ પેસેન્જર્સના પાસપોર્ટ, વિઝા અને બોર્ડિંગ પાસ ચેક કરી રહ્યા હતા. જોકે, તેમને બંને આરોપીનો પાસપોર્ટ શંકાસ્પદ લાગ્યો હતો. રેકોર્ડ તપાસતા ખ્યાલ આવ્યો હતો કે આ કપલ 14 જુન 2018ના રોજ આયર્લેન્ડ ગયું હતું અને ત્યાંથી ચાર દિવસ બાદ તેને ડિપોર્ટ કરાયું હતું, પરંતુ તેના પાસપોર્ટ પર એન્ટ્રી કે એક્ઝિટનો કોઈ સિક્કો નહોતો.

2018માં એજન્ટોની મદદથી મુંબઈથી આયર્લેન્ડ ગયા હતા

આ કેસની તપાસ કરી રહેલા SOGના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ કપલ 2018માં એજન્ટોની મદદથી મુંબઈથી આયર્લેન્ડ ગયું હતું. તેમનો મૂળ પ્લાન અમેરિકા પહોંચવાનો હતો, પરંતુ તેઓ આયર્લેન્ડમાં જ પકડાઈ ગયા હતા અને ત્યાંથી તેમને ભારત પરત મોકલી દેવાયા હતા. આ વખતે તેઓ વાયા દુબઈ અમેરિકા જવા નીકળ્યા હતા. દુબઈ પહોંચી તેમનો પ્લાન વાયા મેક્સિકો અમેરિકા જવાનો હતો

.

હિતેષના બહેન-બનેવી અમેરિકા રહે છે

પોલીસના જણાવ્યા અનુસાર, હિતેષની બહેન અને બનેવી અમેરિકા સેટલ થયા છે જ્યાં તેમની સારી એવી કમાણી પણ છે. આ જ કારણે હિતેષ પણ તેની પત્ની બિનલ સાથે અમેરિકા જવા માગતો હતો. બિનલ મહુધાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. તેમની પાસે નવો પાસપોર્ટ કઈ રીતે આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે. તેમનો દાવો છે કે જૂનો પાસપોર્ટ ખોવાઈ જતાં તેમણે નવો પાસપોર્ટ કઢાવ્યો હતો, પરંતુ તેઓ ફેક પાસપોર્ટ પર વિદેશ જઈ રહ્યા હોય તેની પણ શંકા છે. હાલ પોલીસે હિતેષ અને બિનલ સામે ઠગાઈ, વિશ્વાસઘાત, બનાવટ, નકલી દસ્તાવેજને અસલી દસ્તાવેજ ગણાવવા, પાસપોર્ટ એક્ટ સહિતના આરોપો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

administrator
R For You Admin