દેશ-વિદેશ

ટ્વિટરમાં છટણીની તૈયારી, એલન મસ્કએ મેનેજરોને કહ્યું – લિસ્ટ તૈયાર કરો

ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનનો સોદો પૂર્ણ કર્યા બાદ એલન મસ્કે ટ્વિટરમાંથી ઘણા ટોચના અધિકારીઓને બરતરફ કર્યા છે. ત્યારે મસ્કના આગમન પછી, ટ્વિટરમાં ઘણું બધું બદલાઈ શકે છે. કારણ કે મસ્ક માત્ર એક્ઝિક્યુટિવ્સને બહાર કાઢીને અટક્યા નહીં, પરંતુ સમગ્ર કંપનીમાં નોકરીમાં કાપનો આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો મુજબ મેનેજરોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવનાર કર્મચારીઓની યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. એલન મસ્ક તેની શરૂઆતથી જ ટ્વિટરમાં ઘણા મૂળભૂત ફેરફારોની હિમાયત કરી રહ્યા છે. હાલમાં સમગ્ર ટ્વિટરમાં 7500થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

પહેલા જ કહ્યું હતું, ઘણા લોકોને કાઢવામાં આવશે

નોંધપાત્ર વાત એ છે કે, મસ્ક પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે ડીલ ફાઇનલ થયા બાદ ઘણા લોકોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. મસ્કે સૌથી પહેલા ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો. માત્ર પરાગ અગ્રવાલ જ નહીં, ચીફ ફાઇનાન્સ ઓફિસર નેડ સેગલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેને પણ કંપનીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

આ ડીલની શરૂઆતથી જ પરાગ અગ્રવાલ અને વિજયા ગડ્ડે એલનના નિશાના પર હતા. તેમણે શરૂઆતથી જ બંને પર ખોટી માહિતી આપવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે વિજયા ગડ્ડેએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

‘માનવતાને મદદ કરવા માટે ખરીદ્યું ટ્વિટર’

મસ્કે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે ટ્વિટરનું નેતૃત્વ કોણ કરશે. શક્ય છે કે તે પોતે તેનું નેતૃત્વ કરશે. કંપનીમાં આવતાની સાથે જ તેમણે પોતાના ટ્વિટર બાયોમાં ચીફ ટ્વીટ લખ્યું છે. ગુરુવારે, મસ્કે કહ્યું કે તેમણે વધુ પૈસા કમાવવા માટે ટ્વિટર ખરીદ્યું નથી. પણ ‘જેને તેઓ પ્રેમ કરે છે, તે માનવતાને મદદ કરવાનો પ્રયાસ છે’.

administrator
R For You Admin