PM મોદી આજે 1 વાગે મોરબી જશે. તેઓ આજે ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળશે. મોરબી ઝુલતા બ્રિજ પરની દુર્ધટના ઘટતા 134 લોકોના મોત નિપજ્યા છે. મોરબી હજુ પણ શોકમાં ગરકાવ છે. મોરબીના મુખ્ય બજારોમાં આજે સતત બીજા દિવસે પણ દુકાનો બંધ જોવા મળી છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને શોક વ્યક્ત કરવા માટે દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. મેડિકલ, પનના ગલ્લા, જ્વેલર્સ સહિતની દુકાનો બંધ જોવા મળી હતી.
વડાપ્રધાન આજે અકસ્માત સ્થળની મુલાકાત લેશે અને પીડિત અને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠશે. મોરબીમાં ગોઝારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક ગઈકાલે મળી હતી. જેમાં વડાપ્રધાને કેટલીક બાબતોને લઈને સમીક્ષા કરી હતી. આ સાથે ગઈ કાલે તેમણે બનાસકાંઠામાં ભાવુક થયા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ તેમણે કહ્યું હતું કે, મોરબીની ઘટના બાદ આસ્વસ્થ કરું છું સરકાર તરફથી કોઈ કસર બાકી નહીં રહેવા દઉં. ગુજરાત શોકમાં ડુબેલ છે. દેશવાસીઓ દુખી થયા છે. તેમ પીએમએ કહ્યું હતું.
ખાસ કરીને ગઈકાલે બોલાવેલી બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી તેમજ રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓએ હાજરી આપી હતી.
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આવતી કાલે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાડવામાં આવશે. આ સાથે જ રાષ્ટ્રધ્વજ સરકારી ઈમારતો પર અડધી કાઠીએ રાખવામાં આવશે.