આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ રહી છે તેવામાં ભાજપે પણ તૈયારીઓ તેજ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજે ગુજરાતમાં છે. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની 4 દિવસની મુલાકાતે છે. તેઓ ભાજપની 3 દિવસીય સંકલન બેઠકમાં હાજરી આપશે.
આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ભૂપેન્દ્ર યાદવ સંગઠનના પદાધિકારીઓને મળશે. સંકલન સમિતિમાં 4340 નામોમાંથી પસંદગી કેટલાક નામોની પેનલ માટે ઉતારવામાં આવશે. જો કે, આ બેઠકમાં તૈયાર કરાયેલા અહેવાલને સંસદીય બોર્ડને મોકલવામાં આવશે.
પ્રદેશ પાર્લામેન્ટરીમાં નામોની પેનલ બનતી હોય છે અને ત્યાર બાદ મહોર વાગતી હોય છે. સીઆર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત શાહ પણ આજે મળનારી બેઠકમાં હાજર રહેશે. 4340માંથી 182 બેઠકો પર નામો પસંદ કરવા એ એટલા માટે અઘરુ હોય છે કેમ કે, કેટલાકના નામો ના સામે આવતા નારાજગી પણ જોવા મળતી હોય છે. આ ઉપરાંત અન્ય રાજકીય સમીકરણો પણ ધ્યાનમાં લેવા પડે છે.
ઉત્તર ગુજરાતમાંથી સૌથી વધુ બાયોડેટા
સેન્સ પ્રક્રિયામાં બાયોડેટા ની મહત્તમ સંખ્યા ઉત્તર ગુજરાતમાંથી 1490 છે. ભાજપને સૌરાષ્ટ્રમાંથી કુલ 1163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતને 962 બાયોડેટા મળ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછા 725 બાયોડેટા મળ્યા છે. 2017ની ચૂંટણીની સામે 1100થી વધુ બાયોડેટા મળ્યા છે. સંકલન બેઠકમાં, ભાજપ સેન્સ પ્રક્રિયામાં મળેલા આ ડેટા પર વિચારણા કરશે.