પોરબંદર જીલ્લો દરીયાઈ પટ્ટી ઉપર આવેલો હોવાથી ક્ષારનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેથી પથરીના રોગોનું પ્રમાણ પણ વધારે દેખાય છે.ત્યારે સામાન્ય રીતે લોકોના શરીરમાંથી ૨-૫ પથરીઓ ઓપરેશન દરમીયાન નીકળતી હોય છે પરંતુ તબીબી જગતના અકલ્પનીય કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે ૫૦ વર્ષીય આધેડના પિતાશયમાંથી ૨ ૪ કે ૧૦-૧૨ નહિ પરંતુ અધધ ૩૨૦ નંગ પથરી મળી આવી હતી અને અઢી કલાકનું ઓપરેશન કરીને આ દર્દીને ડોકટર દ્વારા સંપૂર્ણપણે સ્વસ્થ બનાવી દીધા છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના ગ્રામ્ય પંથકના ૫૦ વર્ષીય આધેડ કે જે ખેતી કામ કરતા હતા અને છેલ્લા પાંચ વર્ષથી પેટમાં દુ:ખાવો, ગેસ અને ઉલ્ટીની નાની-મોટી ફરીયાદો રહેતી હતી અને તેની તે પ્રાથમિક સારવાર કરાવતા હતા તેમજ ઘરગથ્થુ ઈલાજ પણ કરતા હતા. તેમણે નિદાન કરાવતા પિતાશયની પથરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેઓએ પોરબંદરના રામગેસ્ટ હાઉસ નજીક સ્ટેશન રોડ પર આવેલ આનંદ સર્જીકલ હોસ્પીટલના ડોકટર કલ્પિત પરમાર પાસે નિદાન કરાવતા અને સોનોગ્રાફી તથા સીટીસ્કેન કરાવતા પિતાશયની પથરી હોવાથી તેનું દુરબીન વડે ઓપરેશન કરવાની સલાહ આપી હતી અને દર્દીનું ઓપરેશન હાથ ધરાયું હતુ. તેને એનેસ્થેસીયા આપવા માટે ડોકટર કૌશિક પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને આ દર્દીનું ડો. કલ્પિત પરમાર દ્વારા ઓપરેશન હાથ ધરાતા તેઓ ચોંકી ઉઠયા હતા.
પિતાશયના ઓપરેશનની શરૂઆત થતા થોડી ઘણી પથરીઓ હશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ ડોકટર સહિત સ્ટાફની આંખો પહોળી થઇ જાય તે રીતે એક પછી એક આજુબાજુમાં પથરીના ૪ એમ.એમ. થી માંડીને ૧૫ એમ.એમ. સુધીના નાના મોટા ૩૨૦ પથ્થરો પિતાશયમાંથી નીકળ્યા હતા. અંદાજે અઢી કલાક જેટલું આ જટીલ ઓપરેશન ચાલ્યું હતું. મેડકીલ સાયન્સમાં આ કેસ એટલા માટે રસપ્રદ છે કે પથરીના દર્દીને પિતાશયમાં ૫ ૭ કે ૧૦-૧૨ જેટલી પથરી નીકળતી હોય છે. પરંતુ પોરબંદર મેડીકલ જગતના ઇતિહાસમાં સૌથી વધુ આશ્ચર્ય જન્માવે તેવા આ કિસ્સામાં અધધ ૩૨૦ પથરીઓ નીકળી આવી હતી. તેથી તે તમામને બહાર કાઢીને ડો. કલ્પિત પરમાર અને તેમની ટીમે આ ઓપરેશનને સફળતાપુર્વક સંપન્ન કર્યું હતું.આમ પોરબંદરમાં ૫૦ વર્ષીય આધેડના શરીરમાંથી ૩૨૦ નંગ પથરીઓ નીકળતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. ડોકટરે ટીમવર્કથી આ કાર્યને સફળ બનાવ્યું હતું.