ગુજરાત

4 બેઠકો ભાજપ માટે બની માથાનો દુખાવો, કોંગ્રેસમાં 41 મૂરતિયાઓ માટે ખણખોદ ચાલુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ ગમે તે સમયે બાકી ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. અત્યાર સુધી કોંગ્રેસે 138 ઉમેદવારો જાહેર કર્યા છે. હજુ કોંગ્રેસે 41 ઉમેદવારોની જાહેરાત કરી નથી. બીજા તબક્કાની ચૂંટણીના હજુ કેટલાક નામો બાકી છે. બીજી બાજુ, ભાજપના માત્ર 4 ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. આ ઉપરાંત 3 બેઠકો પર કોંગ્રેસ-એનસીપીી વચ્ચે ગઠબંધન થયું છે.

ભાજપના માત્ર 4 ઉમેદવારના નામની જાહેરાત છે બાકી

ગઇકાલે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાંથી ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આમ, ભાજપ દ્વારા 182માંથી 178 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર સીટના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ખેડા, ખેરાલુ, માંજલપુર અને માણસા બેઠક પર કોને ટિકિટ આપવી, તે નક્કી થઈ શક્યું નથી. આ અંગે ભારે મનોમંથન ચાલી રહ્યુ છે.

હજુ કોંગ્રેસે 41 ઉમેદવારોની નથી કરી જાહેરાત

જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની છ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 138 ઉમેદવારો જાહેર કરાયા છે. જ્યારે 41 ઉમેદવારોની જાહેરાત બાકી છે. કોંગ્રેસે છઠ્ઠી યાદીમાં 33 ઉમેદવારો જાહેર કર્યા હતા. જ્યારે પાંચમી યાદીમાં છ નામની યાદી જાહેર કરવામાં આવી હતી. બીજા તબક્કાની ચૂંટણીના હજુ કેટલાક નામો બાકી છે. આવામાં કોંગ્રેસ ગમે તે સમયે બાકી ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.

1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

administrator
R For You Admin