ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે લગભગ તમામ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે, એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપો અને ટિકિટ માટે બળવાખોર વલણ પણ સામે આવવા લાગ્યું છે.
આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ પણ ગુજરાત ચૂંટણી માટે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. 2017માં રાહુલ ગાંધીએ અહીં વ્યાપક પ્રચાર કર્યો હતો. પરંતુ, આ વખતે તેઓ ‘ભારત જોડો યાત્રા’ કાઢી રહ્યા છે, જે હાલમાં મહારાષ્ટ્રમાંથી નીકળી રહી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરવા પણ ગયા ન હતા. પાર્ટીના સૂત્રો કહે છે કે કોંગ્રેસ ગ્રામીણ ગુજરાતમાં લોકો સાથે સારી રીતે જોડાયેલ છે. કોંગ્રેસ ત્યાં સારા પ્રદર્શનની રાહ જોઈ રહી હતી, પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના વધતા સમર્થનના કારણે પાર્ટીને તેની વ્યૂહરચના બદલવાની ફરજ પડી.
જ્યારથી ગુજરાતમાં ચૂંટણીનો ઉત્સાહ તેજ થયો છે ત્યારથી ગુજરાતની જનતાના મનમાં એક જ પ્રશ્ન હતો કે કોંગ્રેસ આ ચૂંટણીમાંથી હજુ કેમ ગાયબ છે? રાહુલ ગાંધી 2017ની જેમ અહીં પ્રચાર કેમ નથી કરી રહ્યા, પરંતુ હવે આ સવાલો પર અમુક હદ સુધી વિરામ લાગશે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં આગામી 22મી તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદીની માફક રાહુલ ગાંધી પણ ગુજરાતમાં સભાઓ ગજવશે અને ચૂંટણી પ્રચારનું રણસીંગુ ફૂંકશે. રાહુલ ગાંધી આ વર્ષે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થઇ ન હતી તે પહેલા ગુજરાતમાં આવ્યા હતા જો કે ત્યારબાદ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત થઇ ગયા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસાભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પહેલા તબક્કાની મતદાન માટે ફોર્મની ચકાસણી પૂર્ણ થઇ ગઈ છે. આજે પહેલા તબક્કાના ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન પેહલી ડિસેમ્બરે યોજાશે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.