રાજકારણ સત્તાનો ખેલ છે અને તે આજે જેની પાસે છે તે રાજા છે આવતીકાલે આ રાજા ફરી પણ જાય છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આગામી મહિનામાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી પણ ગુજરાતમાં જંગી જીત મેળવવા માટે કમર કસી રહી છે. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી સમયે પોસ્ટર વોર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વિવિધ રીતે પોતાના હોર્ડિંગ્સથી અને સોશિયલ મીડિયામાં પ્રચાર કરી રહી છે. જો કે આ પ્રચારમાં પાયાના નેતાના ચેહરા જ ગાયબ થઇ ગયા છે.
ભારતીય જનતા પાર્ટીને ઉભી કરવામાં જે બે વ્યક્તિઓનો સિંહ ફાળો રહ્યો છે અને જે બે વ્યક્તિએ દિવસ રાત જોયા વગર પાર્ટી માટે 365 દિવસ કાર્ય કર્યું છે તેવા દિગ્ગ્જ નેતાઓના ફોટા ભાજપના હોર્ડિંગમાંથી ગાયબ થઇ ગયા છે. ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે કદાચ આશ્ચર્ય લાગે તેવી આ વાત છે પણ સત્ય છે. ભારતીય જનતા પાર્ટીને ઉભી કરવામાં સ્વર્ગીય અટલ બિહારી વાજપાઇ અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગ્જ નેતાઓમાંના એક લાલકૃષ્ણ અડવાણીને કેમ ભૂલી શકીએ. કેન્દ્રમાં બહુમતી સાથે રહેલી ભાજપ સરકાર અને ગુજરાત તેમજ વિવિધ રાજ્યોમાં ભાજપનો પરચમ ચારેબાજુ છે તેનું મુખ્ય કારણ દિવગંત અટલ બિહારી વાજપાઇ અને દિગ્ગ્જ નેતા લાલકૃષ્ણ અડવાણીની મહેનત છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ઠેર ઠેર મોટા મોટા બેનરો મારવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે ડબલ એન્જીનની સરકાર, ભરોસાની ભાજપ સરકાર. આ બધા બેનરોમાં નરેન્દ્ર મોદી, ભુપેન્દ્ર પટેલનો ચેહરો છે તો બીજી તરફ ચૂંટણીના હોર્ડિંગ્સમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભુપેન્દ પટેલ, જે.પી નડ્ડાના ફોટાઓ પોસ્ટરમાં દેખાઈ રહ્યા છે. આ બધા પોસ્ટરમાં ભાજપના પાયાના નેતા દિવંગત અટલ બિહારી વાજપાઇ અને લાલકૃષ્ણ અડવાણીના ફોટા ગાયબ થઇ ગયા છે. ભાજપની કેન્દ્રમાં જ્યારથી સરકાર બની છે ત્યારથી કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતમાં પહેલા રૂપાણી સરકાર હતી હવે ભુપેન્દ્ર પટેલની સરકાર જેવા સૂત્રો પણ હોર્ડિંગમાં દેખાઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એ ન ભૂલવું જોઈએ કે આજે જે જગ્યાએ તમે છો તેના માટે આ બે નેતાઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટી તેમના પાયાના નેતાઓને સાઈડલાઈન કરીને આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતી જીતવાના લક્ષ્ય સાથે ઉતરી રહી છે ત્યારે પાર્ટીના નેતાઓએ આ વાતને પણ સમજવી જોઈએ કે હોર્ડિગ્સમાં કે સોસીયલ મીડિયા પ્રચારમાં દિવંગત અટલ બિહારી વાજપાઇ અને લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓને ભૂલવા ન જોઈએ.