ગુજરાત

ગુજરાત ચૂંટણીમાં PM મોદીની મેરેથોન રેલીઓ આજથી શરૂ, કરશે 25 જેટલી જાહેર સભાઓને સંબોધિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધા છે. ભાજપે પણ પોતાના ગઢને જાળવી રાખવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉતર્યા છે. ત્યારે આજથી ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે અને આખા રાજ્યમાં 25 રેલીઓ કરશે.

પીએમની રેલીઓનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું છે, જેની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી 20 નવેમ્બરે સૌરાષ્ટ્રના પ્રવાસે જશે જ્યાં તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદની મુલાકાત લેશે. પીએમ આ સ્થળોએ જાહેર સભાઓને સંબોધિત કરશે.

આજે વડાપ્રધાન મોદી દમણ કોસ્ટ ગાર્ડના એર સ્ટેશન પર ઉતરશે અને પછી ત્યાંથી દાભેલ ગેટ સુધી રોડ શો કરશે. વલસાડમાં સાંજે જનસભાને સંબોધિત કરશે અને રાતે વલસાડમાં જ રોકાશે. 20 નવેમ્બરે વડાપ્રધાન મોદી સોમનાથ જશે અને અહીં સોમનાથ મહાદેવની પૂજા કરશે. વેરાવળમાં જનસભાને સંબોધિત કરશે, બપોરે ધોરાજીમાં અને પછી અમરેલીમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી સાંજે બોટાદમાં જનસભાનું સંબોધન કર્યા પછી તેઓ ગાંધીનગર આવશે અને અહીં રાત્રિ રોકાણ કરશે. સોમવારે 21 નવેમ્બરે બપોરે સુરેન્દ્રનગર, એના પછી જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભાને સંબોધિત કરશે.

મળતી માહિતી અનુસાર, 23 નવેમ્બરે વડાપ્રધાન મોદી મહેસાણા અને દાહોદમાં તથા વડોદરા અને ભાવનગરમાં જનસભાનું સંબોધન કરશે. એ પછી 24 નવેમ્બરે પાલનપુર, દહેગામ, માતર અને અમદાવાદમાં જનસભાને સંબોધિત કરશે.

રેલીઓ માટે ભાજપ કરી રહ્યું છે ખાસ તૈયારી

આજે PM મોદીના સ્વાગત માટે વલસાડ જિલ્લા ભાજપના કાર્યકરો અને સંગઠને ખાસ તૈયારીઓ કરી છે. પીએમ મોદીના રોડ શોને કારણે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 9 SP, 17 DSP, 40 PI, 90 PSI સહિત 15000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કોઈ કસર બાકી રાખવા માંગતી નથી. એટલે જ પ્રચાર માટે મેદાનમાં જાતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉતર્યા છે. પીએમ મોદી 40 સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેપી નડ્ડા, નિતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી જેવા નેતાઓના નામ સામેલ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. આ ઉપરાંત ગુજરાતના સ્થાનિક નેતાઓ અને મંત્રીઓની ચૂંટણી પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા હશે.

administrator
R For You Admin