ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સામે આવીને ઉભી છે. રાજ્યમાં બે તબક્કાઓમાં ચૂંટણીઓ યોજવા જઈ રહી છે ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવાનું છે. આ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
ભાજપે આ બેઠક પરથી અશ્વિન પટેલને, આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપુતને અને કોંગ્રેસે સત્યજીતસિંહ ગાયકવાડને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ વર્ષે ભાજપની નો રીપીટ થિયરીના કારણે ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપવામાં આવી નથી.
મધુ શ્રીવાસ્તવને નડી ભાજપની નો રિપીટ થિયરી
જણાવી દઈએ કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીનિવાસને વિવાદથી ઘેરાયેલા રહે છે. તેમના પત્ની તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. માહિતી અનુસાર, તેમની દીકરી પણ રાજકારણમાં સક્રિય છે. ભાજપની નો રિપીટ થિયરીને કારણે બાહુબલી મધુ શ્રીવાસ્તવ નારાજ જોવા મળ્યા છે અને તેમણે આ વર્ષે ભાજપમાંથી રાજીનામુ આપીને વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે અને સાથે જ વિવાદિત નિવેદન પણ આપ્યું છે, જેના કારણે ચૂંટણી પંચ તેમના પર કાર્યવાહી કરી શકે એમ છે, જે માટે ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેનો રિપોર્ટ મંગાવ્યો છે.
વાઘોડિયા વિધાનસભા હેઠળ આવે છે આ વિસ્તારો – વાઘોડિયા તાલુકો અને સોખડા, પદ્માલા, અનાગઢ, અજોદ, આસોજ, વિરોદ, સિસવા, દશરથ, ધનોરા, કોટના, કોયલી, દુમાડ, દેના, સુખલીપુર, અમલિયારા, કોટાલી, વેમાલી, વેમાલી, ગોરવા, અંકોડિયા, શેરખી, નંદેસરી (સીટી), નંદેસરી (આઈએનએ), રણોલી (સીટી), પેટ્રો-કેમિકલ કોમ્પ્લેક્સ (આઈએનએ), કરાચીિયા (સીટી), જીએસએફસી કોમ્પ્લેક્સ (આઈએનએ), બાજવા (સીટી), જવાહરનગર (ગુજરાત રિફાઇનરી)
વાઘોડિયા વિધાનસભાનાં મતદારોની સંખ્યા – 2019ની મતદાર યાદી પ્રમાણે વાઘોડિયા વિધાનસભામાં 228946 મતદાર છે અને 288 મતદાન મથકો છે. જણાવી દઈએ કે 2011ની વસતી ગણતરી પ્રમાણે આ વિસ્તારમાં કુલ 357883ની વસ્તી છે. જેમાંથી 55.27 ટકા વસ્તી ગ્રામીણ અને 44.73 ટકા શહેરમાં છે. કુલ વસ્તીમાંથી 5.86 ટકા અનુસૂચિત જાતિ (એસસી) અને 14.96 ટકા અનુસૂચિત જનજાતિ (એસટી)ની વસ્તી છે.
ભૂતકાળની ચૂંટણીમાં થયું હતું 70થી વધુ ટકા મતદાન
જણાવી દઈએ કે 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીં 73.06 ટકા મતદાન થયું હતું. જયારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 76.9 ટકા મતદાન થયું હતું. વાઘોડિયા વિધાનસભા બેઠક પર 2017માં ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ જીત્યા હતા. એમ તો અહીંથી મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995થી ધારાસભ્ય છે, પણ વર્ષ 1998માં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને ત્યારથી આ સીટ પર ભાજપનું વર્ચસ્વ છે. સતત પાંચ ટર્મથી આ બેઠક પર મધુ શ્રીવાસ્તવ ચૂંટાઈ આવે છે. ઉલ્લેખનીય છે કે વાઘોડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં કુલ 13 વખત ચૂંટણીઓ થઈ ચુકી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને લગભગ સરખા પ્રમાણમાં જ બેઠકો મળી છે.
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 મધુ શ્રીવાસ્તવ ભાજપ
2012 મધુ શ્રીવાસ્તવ ભાજપ
2007 મધુ શ્રીવાસ્તવ ભાજપ
2002 મધુ શ્રીવાસ્તવ ભાજપ
1998 મધુ શ્રીવાસ્તવ ભાજપ
1995 મધુ શ્રીવાસ્તવ અપક્ષ
1990 પ્રદીપ જયસ્વાલ જેડી
1985 મનુભાઈ પટેલ કોંગ્રેસ
1980 સનતકુમાર મહેતા કોંગ્રેસ
1975 સનતકુમાર મહેતા કોંગ્રેસ
1972 ધીરજલાલ જયસ્વાલ કોંગ્રેસ
1967 એમ જી પોલા કોંગ્રેસ
1962 કાશિવલ મણિલાલ કોંગ્રેસ
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ભાજપનાં ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 વોટ મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર વાઘેલા ધર્મેન્દરસિંહ રણુભાને 52,734 વોટ મળ્યા હતા. મધુ શ્રીવાસ્તવ આ ચૂંટણીમાં 10,315 મતોથી વિજેતા બન્યા હતા. જયારે 2012ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપનાં ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 65,851 વોટ મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પટેલ જયેશભાઈ ખેમાભાઈને 60,063 વોટ મળ્યા હતા. એ વર્ષે પણ મધુ શ્રીવાસ્તવ 5,788 વોટથી વિજેતા થઈને આ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બન્યા હતા.
આ વિસ્તારના મતદારોની સમસ્યાઓ
આ વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સમસ્યાઓ છે, ઘણી જગ્યાએ પાણી પૂરતું ન મળવાની સમસ્યાઓ સામે આવે છે. ભલે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન ચલાવતા હોય, પણ અહીં ગંદકીના કારણે મચ્છરનો ત્રાસ પણ વધુ છે, અને રોડ પણ બિસ્માર હાલતમાં જોવા મળે છે.