તાજા સમાચાર

એકવાર પ્રચારમાં દેખાયા બાદ રીવાબા સાથે રવિન્દ્ર જાડેજા કેમ દેખાતા નથી?

જામનગરમાંથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા રીવાબા જાડેજા આ વખતે સૌથી વધુ ચર્ચામાં રહેલા ઉમેદવારોમાંના એક છે. ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અત્યારે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જોકે તેમના પતિ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હજુ તેમની સાથે એક જ વાર નજરે પડ્યા છે. એ પછી જોવા મળ્યા નથી. આ મામલે રીવાબાએ કહ્યું કે, ટૂંક સમયમાં રવિન્દ્ર જાડેજા તેમની સાથે ચૂંટણી મેદાનમાં પ્રચાર કરતા જોવા મળશે. તેમણે કહ્યું કે આ નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે. જો પાર્ટી નક્કી કરશે તો તે પ્રચારમાં જોડાશે. ટીમ ઈન્ડિયાના અન્ય ક્રિકેટરો પ્રચાર કરશે કે નહીં તે પ્રશ્ન પર રિવાબાએ કહ્યું કે, હું આ અંગે કંઈ કહી શકું તેમ નથી.

જામનગરમાં કોંગ્રેસના ગઢમાં લોકપ્રિય નામ રીવાબા જાડેજાનું
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘણા યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ભાજપ આ યુવા ચહેરાના સહારે જીતનો ઝંડો લહેરાશે. સૌથી લોકપ્રિય નામ રીવાબા જાડેજાનું છે. જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા એક સેલિબ્રિટી ચહેરો છે. તે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. ખાસ કરીને જામનગરમાં આ પહેલા કોંગ્રેસ વધુ મજબૂત હતી ત્યારે સમીકરણો આ વખતે બદલાઈ શકે છે.

જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ભારતના પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી હતી. રીવાબાનું નામ ચોંકાવનારું નથી કારણ કે રીવાબા લાંબા સમયથી રાજનીતિ સાથે જોડાયેલા છે પરંતુ હવે તે ચૂંટણી દ્વારા સક્રિય રાજનીતિનો ભાગ બનવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રીવાબાને તેમની સંસ્કૃતિ ખૂબ જ પસંદ છે. તેઓ કરણી સેનાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

રીવાબા જાડેજા વિશે રસપ્રદ વાત
5 સપ્ટેમ્બર 1990ના રોજ જન્મેલા રીવાબા રાજકોટના રહેવાસી છે. તેમણે રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા ઉદ્યોગપતિ છે અને લાંબા સમયથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. રીવાબા 2019માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારથી તે ભાજપના તમામ કાર્યક્રમોનો એક ભાગ છે. રીવાબાએ 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન અરેન્જ મેરેજ હતા. જાડેજાની બહેન નૈનાબાએ રીવાબાને ફેમિલી ફંક્શનમાં જોયા અને પછી રવિન્દ્ર જાડેજા અને પરીવારને વાત કહી રીવાબાને મળવા કહ્યું અને તે પછી બંને મળ્યા અને થોડા દિવસો પછી બંનેએ સગાઈ બાદ લગ્ન કર્યા હતા.

રીવાબાના નણંદ કોંગ્રેસમાં રહી કરશે પ્રચાર
જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ ત્રણ મહિના પહેલા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીની તૈયારી શરૂ કરી હતી અને જામનગર ઉત્તરની ટિકિટ માટે પણ ચૂંટણી લડવા તૈયારી દર્શાવી હતી. જો કે કોંગ્રેસે નયનાબાના સ્થાને બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. આથી નયનાબાએ પણ કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. બીજી તરફ રીવાબા પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. આ સાથે જ તેમના પતિ રવિન્દ્ર જાડેજા પણ તેમની પત્ની સાથે પ્રચારમાં જોડાયા છે અને તેમની પત્નીને સમર્થન આપી રહ્યા છે.

administrator
R For You Admin