દિલ્હીની જામા મસ્જિદમાં છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જામા મસ્જિદ પ્રશાસને આ અંગે નોટિસ પણ ચોંટાડી દીધી છે. જેને લઇને, દિલ્હી મહિલા આયોગે આ અંગે ઇમામને નોટિસ પાઠવી છે. આ સાથે VHPએ તેને ભારતને સીરિયા બનાવવાની માનસિકતા ગણાવી છે
જામા મસ્જિદમાં છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે નોટિસો પણ ચોંટાડી દેવામાં આવી છે. આવી જ એક નોટિસ પર લખવામાં આવ્યું છે કે, “જામા મસ્જિદમાં છોકરી કે યુવતીઓનો એકલા પ્રવેશ પ્રતિબંધિત છે.” આ નોટિસ દિલ્હીમાં જામા મસ્જિદના કાર્યાલય દ્વારા મૂકવામાં આવી છે. આ સાથે નોટિસ પર projmd2000@gamail.com ઈમેલ આઈડી પણ લખવામાં આવ્યું છે. જોકે હજુ સુધી દીકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો છે તેનું કારણ જણાવવામાં આવ્યું નથી.
DCW એ ઈમામને નોટિસ જાહેર કરી હતી
બીજી તરફ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જામા મસ્જિદ પ્રશાસનને નોટિસ પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું કે જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવાનો નિર્ણય બિલકુલ અયોગ્ય અને ખોટો છે. જેટલો પુરુષને પૂજા કરવાનો અધિકાર છે એટલો જ સ્ત્રીને પણ. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ આપી રહી છું. આ રીતે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો કોઈને અધિકાર નથી.
ભારતને સીરિયા બનાવવાની માનસિકતા: VHP
જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને લઈને વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે આ કટ્ટરવાદી વિચારકોએ ઈરાનમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા ધરાવતા મુસ્લિમ કટ્ટરપંથીઓએ ઈરાનમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. એક તરફ ભારત સરકાર બેટી બચાવો-બેટી પઢાવો સહિતની અનેક યોજનાઓ ચલાવીને છોકરીઓને સશક્ત બનાવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ આવી કટ્ટર માનસિકતા ધરાવતા લોકો તેમના પવિત્ર સ્થાનમાં જ તેમનો પ્રવેશ અટકાવી રહ્યા છે.
વિનોદ બંસલે ઓવૈસીને સવાલ પૂછ્યો હતો
વિનોદ બંસલે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતા કહ્યું કે ક્યાં છે ભાગ્યનગરનો ભડકાઉ ભાઈજાન જે સ્વપ્ન જોતો હતો કે બુરખા પહેરેલી બહેન દેશની વડાપ્રધાન બનશે. તેમને પહેલા મસ્જિદમાં પ્રવેશવા દો ભારતમાં એવી કોઈ મસ્જિદ નથી જ્યાં મહિલાઓ પુરુષોની સાથે નમાઝ અદા કરી શકે. દીકરીઓની આઝાદી અને તેની આઝાદી પર બેડીઓ લગાવનારાઓએ સમજવું જોઈએ કે આખી દુનિયામાં દીકરીઓ ચંદ્ર પર પહોંચી ગઈ છે પણ તેઓ તેમને મસ્જિદમાં બેસવા દેતા નથી. બંસલે કહ્યું કે દીકરીઓ પર પ્રતિબંધ મૂકવાને બદલે આ લોકોએ પોતાની માનસિકતા બદલવી જોઈએ.