લગભગ 300 છોકરીઓએ 135 વર્ષથી ચાલી રહેલી લડાઈ માત્ર 20 દિવસમાં જીતી લીધી હતી. તે પણ ‘ગાંધીગીરી’ના દમ પર. આ છોકરીઓએ બતાવ્યું છે કે અહિંસા અને શાંતિથી સૌથી મોટી લડાઈ પણ જીતી શકાય છે. આ મામલો હૈદરાબાદની નિઝામ કોલેજનો છે. આ કોલેજ ઓસ્માનિયા યુનિવર્સિટીનો એક ભાગ છે, જેની સ્થાપના 1887માં થઈ હતી. નિઝામ કોલેજની સ્થાપના થઈ ત્યારથી અહીં ક્યારેય છોકરીઓને હોસ્ટેલ આપવામાં આવી નથી. અહીં ગ્રેજ્યુએશનમાં એડમિશન લેનારી વિદ્યાર્થીનીઓને મોટી રકમ ચૂકવીને હૈદરાબાદની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેવું પડતું હતું.
21મી સદીમાં કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં આવી વ્યવસ્થા ખૂબ જ વિચિત્ર છે. તેનાથી પણ વધુ વિચિત્ર વાત એ છે કે નિઝામ કોલેજમાં પીજી કોર્સમાં એડમિશન લેનારી વિદ્યાર્થીનીઓને હોસ્ટેલની સુવિધા આપવામાં આવી હતી. પરંતુ યુજીને નહીં. છોકરીઓ સાથેના આ ભેદભાવના વિરોધમાં કોલેજની 300 જેટલી વિદ્યાર્થીનીઓ હડતાળ પર બેસી ગઈ હતી. સંપૂર્ણ શાંતિપૂર્ણ હડતાલ.
દરરોજ સવારે 10થી 5 હડતાળ
આ છોકરીઓ દરરોજ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી ક્લાસમાંથી બહાર નીકળીને હાથમાં પોસ્ટર લઈને ધરણા પર બેસતી હતી. તેમને શિક્ષણ વિભાગને આવેદનપત્ર પણ આપ્યું હતું. લગભગ 17-18 વર્ષની આ વિદ્યાર્થીનીઓએ તેલંગાણાના શિક્ષણ મંત્રી સબિતા ઈન્દ્ર રેડ્ડીની સામે પણ ખુલ્લેઆમ પોતાની વાત રાખી હતી. જ્યાં સુધી સરકાર કોઈ કાર્યવાહી ન કરે.
આખરે લગભગ 20 દિવસ પછી તેલંગાણા સરકારે કોલેજને નવી હોસ્ટેલ બિલ્ડિંગ આપી. 76 રૂમ ધરાવતી આ બિલ્ડીંગ હવે નિઝામ કોલેજની ગર્લ્સ હોસ્ટેલ બનશે. તેમાં લગભગ 400 છોકરીઓ રહી શકે છે.
અત્યાર સુધી ઓસ્માનિયા સ્ટેટ યુનિવર્સિટી સાથે સંલગ્ન નિઝામ કોલેજમાં બેચલર ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેતા છોકરાઓ માટે 98 રૂમની હોસ્ટેલ હતી. 90 રૂમની હોસ્ટેલ પીજી છોકરાઓ માટે હતી. પીજીમાં એડમિશન લેનારી છોકરીઓ માટે આ વર્ષે હોસ્ટેલ ફાળવવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ વિરોધમાં સામેલ એક વિદ્યાર્થીએ કહ્યું, ‘અમે તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાંથી આવીએ છીએ. અમારે અહીં ખાનગી હોસ્ટેલમાં દર મહિને 6000 રૂપિયા આપીને રહેવું પડે છે. જ્યારે અમે અહીં એડમિશન લીધું, ત્યારે કોલેજ પ્રશાસને કહ્યું કે નવી ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી રહી છે, ટૂંક સમયમાં તે અમને ફાળવવામાં આવશે. ગત 4 નવેમ્બરે અમે જોયું કે નવી હોસ્ટેલમાં પૂજા કરવામાં આવી રહી છે, પરંતુ રૂમ માત્ર માસ્ટર કોર્સની છોકરીઓને જ આપવામાં આવી રહ્યા છે. પછી અમે અમારા માટે બોલવાનું નક્કી કર્યું.
નિઝામ કોલેજના પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ કેમ્પસમાં હોસ્ટેલ ફી જનરલ અને ઓબીસી કેટેગરી માટે વાર્ષિક રૂ. 10,000 અને એસસી, એસટી માટે રૂ. 7000 એક વર્ષના છે. એક રૂમમાં 4 વિદ્યાર્થીઓ રહી શકશે. પરંતુ છોકરીઓએ મોટી સંખ્યામાં એડજસ્ટ થઈને જીવવાનું નક્કી કર્યું છે.