દેશ-વિદેશ

ચીનમાં સરકારની નીતિ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા લોકો, અનેક જગ્યાએ થયા દેખાવો

ચીનમાં લાદવામાં આવેલી કડક કોવિડ નીતિ સામે શનિવારે રાત્રે શાંઘાઈ સહિત ઘણા શહેરોમાં જનતા રોષે ભરાઈ. જેના વિરોધમાં લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શાંઘાઈમાં ભીડે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેના નેતા શી જિનપિંગના રાજીનામાની પણ માંગ કરી હતી. લોકોએ ‘સ્ટેપ ડાઉન સીસીપી’ અને ‘સ્ટેપ ડાઉન જિનપિંગ’ના નારા લગાવ્યા. ચીનમાં આ એક દુર્લભ દૃશ્ય હતું. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કડક કોવિડ લોકડાઉનને કારણે સામાન્ય લોકોની નિરાશા વધી રહી છે. આ વિરોધના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ ચીનના શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં શુક્રવારે કડક કોવિડ નિયમો સામે લોકોનો ગુસ્સો ભડક્યો. જે બાદ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા જ એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા. ઘણા ચીનનાં લોકોનું કહેવું છે કે કોવિડ પ્રતિબંધોને કારણે લોકોને ઘરમાંથી ભાગવામાં મુશ્કેલી પડી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. આ પછી, દેશભરના ઘણા શહેરોમાં કડક કોવિડ નિયમો સામે ગુસ્સો ફાટી નીકળ્યો.

જો કે, શનિવારે સૌથી મોટો વિરોધ શાંઘાઈમાં થયો હતો, જ્યાં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત સેંકડો લોકોએ ભાગ લીધો હતો. તેઓ મૃતકોનો શોક કરવા માટે મીણબત્તીઓ અને કાર્ડ્સ સાથે ઉરુમકી રોડ પર એક આંતરછેદ પર એકઠા થયા હતા. ભીડને રોકવાના પોલીસના પ્રયાસોને નકારીને લોકોની સંખ્યા સતત વધતી રહી અને પછી સૂત્રોચ્ચાર શરૂ થયો. લોકોએ કોવિડ નિયંત્રણમાં છૂટછાટની માંગ કરી. ચીનની કઠોર કોવિડ નીતિઓને દેશની તાજેતરની આર્થિક મંદી સાથે જોડવામાં આવી રહી છે. કોવિડ નિયમોને કારણે રેસ્ટોરાં, ટૂર ઓપરેટરો અને અન્ય નાના વ્યવસાયોને નુકસાન થયું છે.

administrator
R For You Admin