ચૂંટણી પ્રચાર દરમિયાન વિકાસના કામો ન થતા ગ્રામજનો નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. લોકો નેતાઓને સવાલ પૂછી રહ્યા છે કે, પાંચ વર્ષમાં રોડ સહિતના પ્રશ્નોના સમસ્યાનું નિરાકરણ કેમ થયું નથી. વચનો આપ્યા બાદ હજુ સુધી કેમ નવા રોડ બન્યા નથી. સુરેન્દ્રનગરના દસાડાના ભાજપના ઉમેદવાર પી કે પરમાર રુસ્તમગઢ ગામમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા. જયાં ગ્રામજનોને રોડ મુદ્દે ઉમેદવારનો ઉઘડો લીધો હતો.
“અમે રાજનીતિ કરીએ છીએ, કોઈ ભજન મંડળી નથી ચલાવતા”
ભાષણ આપતા સમયે એક મહિલાએ ખરાબ રસ્તા મુદ્દે ભાજપના ઉમેદવારને રજૂઆત કરી હતી, ત્યારે પી કે પરમારે મહિલાને ઉડાઉ જવાબ આપ્યો હતો કે ભાજપને મત નથી આપ્યા તો કયાંથી કામ થાય. કોંગ્રેસેન મત આપીને ભાજપ પાસે કેવી રીતે આશા રાખી શકો. અમે રાજનીતિ કરીએ છીએ, કોઈ ભજન મંડળી ચલાવતા નથી. EVMમાં મત આપ્યા છે કે નહીં તે ખબર પડી જશે.
ચૂંટણીમાં નેતાઓ પ્રચારને બદલે તેના નિવેદનોને કારણે વધુ ચર્ચાઈ રહ્યા છે. પાટણમાં પણ ભાજપના એક સ્થાનિક નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. પાલિકા કોર્પોરેટર અને ભાજપ પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે મંદિર અને મસ્જિદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. પાટણમાં ભાજપ ઉમેદવાર ડો.રાજુલ દેસાઇની ચૂંટણી સભામાં મનોજ પટેલે કહ્યું કે, જેને મંદિર બનાવવું હોય તે ભાજપમા રહે અને જેને મસ્જિદ બનાવવુ હોય તે કોંગ્રેસમાં જાય. આ પહેલા પણ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ મહાદેવ અને અલ્લાહ એક છે એવુ નિવેદન કહીને વિવાદમાં આવ્યા હતા. અને હવે ધાર્મિક નિવેદનબાજીમાં મનોજ પટેલનું નામ પણ જોડાઇ ગયું છે.