ગુજરાત

પ્રથમ તબક્કાની 89 બેઠકોના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ, રાજકીય પાર્ટીના દિગ્ગજો કરશે અંતિમ ઘડીનો પ્રચાર

પાલનપુરના લુણવા ગામે કોંગ્રેસ ધારાસભ્યનો વિરોધ

બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ જોવા મળ્યો. હાલના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલ લુણવા ગામે પ્રચાર કરવા ગયા હતા. પરંતુ લોકોએ તેમની સભા નહોતી થવા દીધી. લોકોએ તેમનો વિરોધ કર્યો અને ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષમાં મહેશ પટેલે કોઈપણ પ્રકારના વિકાસકાર્યો નથી કર્યા.

 ભડકાઉ ભાષણ બદલ ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ સામે ફરિયાદ

તો આ તરફ મતદાન પહેલા સભામાં ભડકાઉ ભાષણ બદલ ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મનોજ પટેલે રાજુલ દેસાઈની સભામાં આપેલા ભાષણ બદલ ફરિયાદ દાખલ કરી છે. સભામાં મંદિર-મસ્જિદને લઈને વિવાદિત નિવેદન કર્યું હતુ. તેમણે કહ્યું હતુ કે,  મંદિર બનાવવું હોય તો ભાજપ અને મસ્જિદ બનાવવી હોય તો કોંગ્રેસમાં રહેજો.

 ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

આતરફ ભાજપનો પ્રચાર કરવા વલસાડ પહોંચેલા પરેશ રાવલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી યાત્રામાં ભલે ચાલે પણ રાજકારણમાં ન ચાલે. યાત્રામાં ચાલવા 25 હજારના બૂટ જોઈએ અને રાજકારણમાં ચાલવા માટે દિલમાં નિયત અને દિમાગ જોઈએ. તેમણે કહ્યું કે બે-અઢી હજાર ગમે તેટલું ચાલો પણ કોઈ ફરક નહીં પડે. નવાઈ લાગે છે કે કોઈ માણસ કારણ વિના અઢી હજાર કિલોમીટર ચાલવા નીકળ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી પહેલા કપડા ઉપર જનોઈ પહેરીને મંદિર-મંદિરની યાત્રા કરી, પણ હવે ભગવાન પણ તેમને મદદ નહીં કરે.

અલ્પેશ કથિરીયાનો ભાજપના ઉમેદવારને ખુલ્લો પડકાર

સુરતમાં અલ્પેશ કથિરીયાએ વરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને જાહેરમંચ પરથી ખુલ્લો પડકાર ફેંકયો છે. વરાછાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરીયાએ સભામાંથી કુમાર કાનાણીને ખુલ્લી ચેલેન્જ આપી. કહ્યું, ભત્રીજો હોવાથી તમને હું ખાત્રી આપું છું. પહેલી તારીખે તમારો જન્મ દિવસ છે. જેથી વરાછાની જનતા કાકાને મત આપે તેવી હું અપીલ કરું છું. જો તમે 8 ડિસેમ્બરે જીતશો તો હું તમને માનગઢ ચોક પર મારા ખભા ઉપર બેસાડીશ.

અબડાસા AAP ઉમેદવારના પક્ષપલટાથી સમીકરણો બદલાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે કચ્છની અબડાસા બેઠક પર રાજકીય સમીકરણ બદલાયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેવાણીએ બળવો કરી ભાજપને સમર્થન આપ્યુ હતું. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારથી નારાજ કાર્યકર્તાઓએ અપક્ષના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. અપક્ષ ઉમેદવારે નલિયામાં તમામ સમાજના આગેવાનો સાથે સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે અબડાસા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ સાથે હવે અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે, ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો ઉપર યોજાનાર છે ત્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આજે  સાંજે 5 વાગ્યા બાદ કોઈપણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. જો કે ડોર-ટુ-ડોર અથવા ખાટલા મિટિંગ જેવી પ્રવૃત્તિ સ્વરૂપે પ્રચાર ચાલુ રહેશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે, ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો પર યોજાનાર છે જ્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.એક તરફ ભાજપ સત્તા કાયમી રાખવા માટે મથામણ કરી રહી છે, વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજો હાલ ગુજરાત ગજવી રહ્યા છે. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ આ વખતે એડી ચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી કે જે ગુજરાતમાં પરિવર્તનની આશાથી પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. આ વખતની લડાઈ પરિવર્તન સામે પુનરાવર્તનની છે. જો કે નેતાઓના પ્રચાર દરમિયાન ઉમટતી ભીડનો ઝુકાવ કોના તરફ રહેશે તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.

administrator
R For You Admin