ગોંડલ વિધાનસભાની ચૂંટણી હવે ખરા અર્થમાં રાજકીય રણસંગ્રામમાં ફેરવાઇ ગઇ છે. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેની લડાઇ ચરમ સીમાએ પહોંચી છે, ત્યારે હવે અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ બેઠક પર કોંગ્રેસને ટેકો જાહેર કરતા ગોંડલમાં રાજકીય ગરમાવો આવ્યો છે. અનિરૂદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું કે હું ભાજપ સાથે જ છું પરંતુ ગોંડલ બેઠક પૂરતો હું કોંગ્રેસને સમર્થન કરીશ.
આ માટે હું પીએમ મોદી અને અમિત શાહની માફી માગુ છું. તેમણે કહ્યું કે હવે વાત મારા પરિવારના સ્વમાનની છે, કોઇ પદ કે પ્રતિષ્ઠાની નહીં. અમે ચૂંટણી નથી લડતા છતાં જયરાજસિંહ દરેક પ્રચારમાં મારા પરિવારને ઢસડે છે. લોકોને એમ છે કે રીબડાવાળા ડરી ગયા છે. પરંતુ 8 તારીખે જયરાજસિંહની તાનાશાહીનો અંત આવશે. અમે જયરાજસિંહને હરાવીશું. હું કોંગ્રેસમાં નથી પણ ગોંડલ પૂરતું મારું કોંગ્રેસને સમર્થન છે. યુપી અને બિહાર જેવી દાદાગીરી જયરાજસિંહ અને તેના પુત્ર કરી રહ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે.
ગોંડલના લોકોને એમ છે કે રીબડાવાળા ડરી ગયા : અનિરૂદ્ધસિંહ
મહત્વનું છે કે ગોંડલ બેઠક પર બંને બાહુબલિ નેતાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ટકરાવ જોવા મળી રહ્યો છે. અને હવે ચૂંટણી નજીક આવતા આ લડાઇ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પરાકાષ્ઠાએ પહોંચી છે. તાજેતરમાં ગોંડલના ભુણાવા ગામમાં યોજાયેલી સભામાં જયરાજસિંહે વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જયરાજસિંહ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગોંડલ બેઠક પર જયરાજસિંહના પરિવારને જ ટિકિટ મળશે. આ ઉપરાંત તેમણે સ્ટેજ પરથી જાહેરમાં વિરોધીઓના સરનામા વીંખી નાખવાની પણ ધમકી આપી હતી. બીજી તરફ દેરડી કુંભાજી ગામે યોજાયેલા દલિતોના મહાસંમેલનમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ જયરાજસિંહ પર પલટવાર કરતા કહ્યું કે જ્યરાજસિંહ અને તેની ગેંગનાં લોકો દલિતો પર અત્યાચાર કરે છે. ગોંડલની અંદર અત્યારે તમામ સમાજ જયરાજસિંહ જાડેજાના કુટુંબથી અને તેમની દબંગાઈથી નારાજ છે. જયરાજસિંહ દાદાગીરી કરી તમામ સમાજને દબાવી રહ્યો છે.