ગુજરાત ચૂંટણી પ્રચાર વખતે ભાજપ નેતા સાથે અભિનેતા પરેશ રાવલે વસલાડ જિલ્લામાં આયોજીત રેલીમાં બંગાળીને લઈને વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. કોલકાતા પોલીસે CPI(M)ના નેતા મોહમ્મદ સલીમની ફરિયાદ પર FIR નોંધી છે.
કોલકાતા પોલીસે CPI(M) ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમની ફરિયાદ પર અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. CPI(M) નેતાએ આરોપ લગાવ્યો હતો કે, રાવલે ગુજરાતમાં ભાજપની ચૂંટણી રેલીમાં બંગાળી સમુદાય વિરુદ્ધ નફરતભર્યું ભાષણ આપ્યું હતું. CPI(M) અને TMC સમર્થકોએ શનિવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પરેશ રાવલના નિવેદન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, વલસાડ જિલ્લામાં આયોજિત રેલીમાં રાવલે કહ્યું હતું કે, ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેના ભાવ ઘટશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ જો રોહિંગ્યા પ્રવાસી અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ ‘આપ’ની આસપાસ રહેવા લાગે તો? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો?
કોલકાતા પોલીસે પરેશ રાવલ વિરુદ્ધ નોંધી FIR
સલીમને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાવલ પર ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરવાના ઈરાદાથી ઉશ્કેરણી), 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી), 153B (ભાષાકીય અથવા વંશીય જૂથોના અધિકારોને નકારવા) અને કલમ 504 સહિતની કલમો (શાંતિનો ભંગ ઉશ્કેરવાના ઉદ્દેશ્યથી સ્વૈચ્છિક રીતે અપમાન) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
CPI(M)ના નેતાએ પરેશ રાવલ પર દ્વેષપૂર્ણ ભાષણ આપવાનો આરોપ લાગ્યો હતો
તાલતલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી તેની ફરિયાદમાં સલીમે જણાવ્યું હતું કે, તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો મળ્યો હતો, જેમાં અભિનેતા બંગાળીઓ વિરુદ્ધ નફરતને પ્રોત્સાહન આપી શકે તેવું ભાષણ આપતો જોવા મળ્યો હતો. સલીમે દાવો કર્યો હતો કે, રાવે ગેસ સિલિન્ડરને બાંગ્લાદેશીઓ, રોહિંગ્યાઓ, બંગાળીઓ અને માછલીઓ સાથે જોડીને બંગાળીઓનો અસ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. જો કે, તેની ટિપ્પણી માટે સોશિયલ મીડિયા પર ટીકા થયા બાદ અભિનેતાએ શુક્રવારે જ માફી માંગી હતી. તેણે કહ્યું, બંગાળીનો અર્થ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ હતો, પરંતુ જો મારી ટિપ્પણીથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું.
પરેશ રાવલની ટિપ્પણીના વિરોધમાં બંગાળમાં પ્રદર્શન
બીજી તરફ, પરેશ રાવલની ટિપ્પણી બાદ પશ્ચિમ બંગાળ CPI(M) DYFIની યુવા પાંખ દ્વારા બંગાળમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સાથે TMCએ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રદર્શન કર્યું છે. ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ આરોપ લગાવ્યો કે, બંગાળના ભાજપના નેતાઓ બંગાળીઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા પછી પણ ચૂપ છે. ED અને CBIથી બચવા માટે બીજેપીએ દિલ્હીના નેતાઓ સામે આત્મસમર્પણ કર્યું છે.