રમત ગમત

ભારતીયોનુ રનુ વાવાઝોડું! બાંગ્લાદેશ સામે 410 રન ખડક્યા, ઈશાનની બેવડી, કોહલીની સદી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 વન ડે મેચોની શ્રેણી રમાઈ રહી છે. જેની અંતિમ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોએ જબરદસ્ત બેટિંગ કરી મજબૂત સ્કોર ખડકી દીધો છે. બાંગ્લાદેશના કેપ્ટન લિટ્ટન દાસે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે યજમાને નિમંત્રણ પાઠવ્યુ હતુ. ભારતે ઈશાન કિશનને અંતિમ મેચમાં રોહિત શર્માની ઈજાથી ખાલી સ્થાન પર મોકો આપ્યો હતો અને જે તકને ઝડપી લઈ તેણે બેવડી સદી નોંધાવી દીધી હતી. જ્યારે વિરાટ કોહલીએ પણ ત્રણ વર્ષ બાદ વન ડેમાં સદી નોંધાવી હતી.

આમ ઈશાન કિશન અને વિરાટ કોહલીની જોડીએ જબરદસ્ત પ્રદર્શન કરતા ભારતીય ટીમે 400 પ્લસ રન નોંધાવી દીધા હતા. અગાઉની બંને વન ડે મેચમાં ભારતીય બેટ્સમેનોની રમત સાવ કંગાળ જોવા મળી હતી. જેની સામે આજે શનિવારની રમતે ચાહકોના દિલ જીતી લીધા હતા. કોહલી અને ઈશાન બંને તોફાની અંદાજમાં જોવા મળ્યા હતા.

ઈશાનની બેવડી સદી

ઈશાન કિશન અને શિખર ધવનની જોડી ઓપનીંગ રુપમાં મેદાનમાં આવી હતી. જોકે પાંચમી ઓવરમાં માત્ર 15 રનના સ્કોર પર જ આપનીંગ જોડી તુટી ગઈ હતી. શિખર ધવનના રુપમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ધવને 8 બોલનો સામનો કરીને 3 રન નોંધાવ્યા હતા. બાદમાં ઈશાન અને વિરાટ કોહલીએ ઈનીંગને સંભાળવાનો સફળ પ્રયાસ કર્યો હતો.

ઓપનર ઈશાન કિશને પોતાને મળેલ મોકાનો પૂરો ફાયદો ઉઠાવતા બેવડી સદી નોંધાવી હતી. તેણે 85 બોલમાં સદી પુર્ણ કર્યા બાદ બેટ ખોલીને રમતની શરુઆત કરી હતી. આમ બીજા 100 રન ઉમેરતી રમત રમતા તેણે 131 બોલનો સામનો કરીને 210 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ રમતથી બે વન ડેમાં અગાઉ ભારતીય બેટ્સમેનોની રમતથી નિરાશ ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા. કોહલીએ 91 બોલનો સામનો કરીને 113 રનની ઈનીંગ રમી હતી. તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ઈનીંગ દરમિયાન જમાવ્યા. હતા.

વોશિંગ્ટનની ફરીવાર સુંદર રમત

ફરી એકવાર વોશિંગ્ટન સુંદરે સારી રમત દર્શવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 27 બોલમાં એક છગ્ગો અને 4 ચોગ્ગા વડે 37 રન નોંધાવ્યા હતા. આમ ભારતના 400 પ્લસના અભિયાનને પુર્ણ કરવાની મહત્વની જવાબદારી તેણે નિભાવી હતી. અક્ષર પટેલે પણ તેને સારો સાથ આપતા 20 રનનુ યોગદાન આપ્યુ હતુ. અક્ષરે પણ એક છગ્ગો ફટકાર્યો હતો.

administrator
R For You Admin