ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. ભાજપે અભૂતપૂર્વ બેઠકો સાથે ફરીએકવાર સત્તા મેળવી છે. ગુજરાતમાં 156 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવ્યા બાદ સાતમી વાર રાજ્યમાં પોતાની સરકાર રચી રહ્યુ છે. ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે નવુ પ્રધાનમંડળ પણ શપથ લેવાનું છે. નવા પ્રધાન મંડળમાં કોને સ્થાન મળશે એ સવાલને લઈ પરિણામો બાદથી ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે આ ચર્ચાઓ પૂર્ણ થવાને આરે પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે નવા મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા ભાનુબેન બાબરિયાને કેબિનેટમાં સ્થાન મળવાનો ફોન આવ્યો છે.
મંત્રીમંડળમાં જેમનો સમાવેશ થવાનો છે અને જેઓ આજે બપોરે 2 વાગ્યા પછી શપથ લેવાના છે તે ધારાસભ્યો પૈકી ભાનુબેન બાબરિયાને પણ શપથ લેવા માટે ફોન આવ્યો છે. ત્યારે ભાનુબેન બાબરિયાએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન ભાનુબેને જણાવ્યુ હતુ કે મારા મતદારોએ મારા પર વિશ્વાસ મુક્યો તેના કારણે હું અહીં સુધી પહોંચી છુ. તેમણે જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી પર જનતાએ વિશ્વાસ મુક્યો છે ત્યારે તેમની અપેક્ષાઓ પર પાર પડવા માટે હું પક્ષ સાથે મળીને તમામ પ્રયત્નો કરીશ.
મહત્વનું છે કે, આજે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ શપથ લેશે. મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. જેમાં 11 ધારાસભ્યો કેબિનેટકક્ષાના બનાવાય તેવી શક્યતા છે. શપથ લેનારા મંત્રીઓને ગઈકાલે ટેલિફોનથી જાણ કરાઇ હતી. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ, મુળુભાઇ બેરા, કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.