જાહેર ક્ષેત્રની બેંક યુકો બેંકે તેના રોકાણકારોને ચોંકાવનારું વળતર આપ્યું છે. માત્ર એક મહિનામાં આ બેંકિંગ શેરે તેના રોકાણકારોના નાણા બમણા કરી દીધા છે. આ સમયગાળા દરમિયાન શેર રૂ. 14.55 થી રૂ. 36.40 પર ગયો હતો.
સ્ટોકમાં કેમ ઉછાળો નોંધાયો : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કના પરિણામો ખૂબ સારા રહ્યા છે. વ્યાજની ચોખ્ખી આવક 10.76 ટકા વધીને 1769.60 કરોડ થઈ છે. જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં 1597.72 કરોડ હતી. જો આપણે UCO બેંકના શેરના ભાવ ઇતિહાસ વિશે વાત કરીએ તો, છેલ્લા પાંચ દિવસમાં આ શેરમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. આજે તે રૂ. 32.90 પર ખૂલ્યો હતો અને રૂ. 36.55ની નવી 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.
6 મહિનામાં એક લાખ થઈ ગયા 3.31 લાખ
છેલ્લા છ મહિનામાં યુકો બેંકે 231 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન આ સ્ટોક રૂ. 10.95 થી રૂ. 36.40 પર પહોંચી ગયો છે. જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા તેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના એક લાખ હવે 3 લાખ 32 હજાર થઈ ગયા હોત. તેની 52 વીકની નીચી સપાટી 10.55 રૂપિયા છે. યુકો બેંકે આ વર્ષે અત્યાર સુધીમાં 175 ટકા વળતર આપ્યું છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં તેણે માત્ર 24 ટકા જ વળતર આપ્યું છે.
શેર માર્કેટમાં આજની સ્થિતી
આજે સેન્સેક્સ 147 પોઈન્ટના ઘટાડા સાથે 62530 પર અને નિફ્ટી 45 પોઈન્ટના ઘટાડા સાથે 18614 પોઈન્ટ પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી 109 પોઈન્ટના ઘટાડા સાથે 44 હજારની નીચે સરકી ગયો હતો અને તે 43940 પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 62550 ના સ્તર પર અને નિફ્ટી 18650 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બેંક નિફ્ટી 44 હજારની ઉપર જળવાઈ રહી છે. IRCTCનો શેર 5 ટકા ઘટ્યો છે. શરૂઆતના કારોબારમાં ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, સન ફાર્મા અને એનટીપીસી જેવા શેરોમાં તેજી જોવા મળી હતી. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક બજાર પર દબાણ
વૈશ્વિક બજારની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વે ફુગાવાને ઘટાડવા માટે વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પછી ડાઉ જોન્સ 142 પોઈન્ટ એટલે કે 0.42 ટકા, નાસ્ડેક 0.76 ટકા અને એસએન્ડપી 500 0.61 ટકા ઘટીને બંધ થયા છે.