જાણવા જેવું

સાવરકરની જેમ જ સમંદર પાર પહોંચ્યો હતો તેણે લખેલો 1857નો ઈતિહાસ!

મંગલ પાંડેએ ભાંગ પીને નશો કર્યો હતો, બહાદુર શાહ ઝફર તદ્દન લાલચુ નિર્બળ બુડ્ઢો હતો આવી વિકૃત અને ખોટી વિગતો સાથે બ્રિટનના લેખકોએ નવલકથાઓ પણ લખી, અરે, જેને આપણે ખભે બેસાડીને ગુણગાન ગાતા રહ્યા છીએ તે જુલે વર્ન પણ નાનાસાહેબને “ડેમોન ઓફ કાનપુર” કહીને લખ્યું!

છેક 1916ની ધ ઓલિવિરિયા લીમા લાઈબ્રેરીમાંથી આ 35 પાનાની અંગ્રેજી પુસ્તિકા મળી આવી છે તેનું પૂરું નામ છે: Pleasant Recollections of Dr.Joaquim de Siqueira Coutinho. સાહિત્ય, રાજનીતિ, પત્રકારત્વ અને બીજા અનેક ક્ષેત્રોમાં સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરનાર મૂળ પોર્ચ્યુગીઝ હતા. ગોવા સાથેનું પરિવારિક સંધાન પણ કારકિર્દી અનેક દેશોની. લિસ્બનની ગલીમાં બચપણ વીત્યું અને પછી જ્ઞાનના આકાશ તરફ ઉડાન. પિતાની નોકરી નેવીમાં હતી. અર્થશાસ્ત્ર સાથે શ્રેષ્ઠ શિક્ષણ મેળવ્યું તેમાં દુનિયાના તે સમયના એટ્લે કે વીસમી સદીના પ્રારંભના વર્ષોમાં વૈશ્વિક સ્તરના ઉત્તમ અધ્યાપકોનો લાભ મળ્યો જેણે કોટિંન્હોણે પણ વિવિધ વિષયોના નિષ્ણાત બનાવ્યા.

તેમણે જોયું કે આફ્રિકામાં બ્રિટિશ સત્તા ગુલામ મજદૂરો પીઆર સિતમ વરસાવતી હતી તેની સામે મોરચો માંડ્યો. બ્રિટિશ આક્રમણની સામે અવાજ ઉઠાવવા લંડનની સભામાં બોલ્યા તો તેમના પર હુમલો થયો, ત્યારે બ્રિટિશ આર્મીના બે યંગ ટર્કની મદદથી માંડ બચ્યા. આયર્લેંડના સ્વાતંત્ર્યવીરોનો પરિચય થયો. તે લેનિનને પણ મળ્યા અને અર્થશાસ્ત્રની ગહન ચર્ચા કરી.

આપણા માટે મહત્વનો મુદ્દો એ છે કે અહીં લંડનમાં જ તેમની મુલાકાત વિનાયક દામોદર સાવરકર સાથે થઈ. લંડનનું હાઈ ગેટ પર આવેલું ત્રણ માળનું “ઈન્ડિયા હાઉસ” ભારતીય ક્રાંતિકારોનું મથક હતું. બંને મળ્યા અને પહેલીવારમાં જ મિત્ર બની ગયા. સાવરકર તે સમયે “અભિનવ ભારત” સંસ્થા ચલાવતા હતા, જે ગુપ્ત રીતે સ્વાતંત્ર્ય સંઘર્ષની તૈયારી કરતી હતી. સાવરકર ઉપરાંત તેઓ બીજા ભારતીય ક્રાંતિકારોને પણ મળ્યા. એમ. પી.આચાર્ય, વી.વી.એસ.અય્યર, મેડમ કામા, બિપિનચંદ્ર પાલની સાથે ચર્ચા થઈ. ઈંગ્લેન્ડના પ્રવાસે આવેલા ગાંધીજી, જવાહરલાલને પણ મળ્યા.

આ દરમિયાન જે મહત્વની ઘટના બની તે સાવરકરના ખ્યાત ઈતિહાસ-પુસ્તક “1857: સ્વાતંત્ર્યનો સંગ્રામ” વિશેની છે. 1857એ બ્રિટિશ નજરે ભારત અને ભારતીયોનો પણ પ્રચંડ વિજયનો ઈતિહાસ રહ્યો છે. તેના બ્રિટિશ સેનાપતિઓ અને બ્રિટિશ દરબારીઓએ લખેલા સત્તાવાનના ઈતિહાસમાં પોતાની શેખી અને ભારતીયોની બદનામી સિવાય કશું નથી. આ માત્ર સિપાહીઓનું ફિતૂર હતું, રાજાઓના રજવાડા ના રહેતા તે બધા લડવા માટે નીકળ્યા હતા, નાનાસાહેબ પેશવાએ બ્રિટિશ મહિલાઓ પીઆર અત્યાચાર કર્યા હતા, ઝાંસીની રાણી એક અંગ્રેજના પ્રેમમાં હતી, તેણે પોતાના પતિણે મારી નાખવ્યો હતો.

મંગલ પાંડેએ ભાંગ પીને નશો કર્યો હતો, બહાદુર શાહ ઝફર તદ્દન લાલચુ નિર્બળ બુડ્ઢો હતો આવી વિકૃત અને ખોટી વિગતો સાથે બ્રિટનના લેખકોએ નવલકથાઓ પણ લખી, અરે, જેને આપણે ખભે બેસાડીને ગુણગાન ગાતા રહ્યા છીએ તે જુલે વર્ન પણ નાનાસાહેબને “ડેમોન ઓફ કાનપુર” કહીને લખ્યું!

1857ની અર્ધ શતાબ્દી 1907માં આવી ત્યારે બ્રિટન અને ભારતમાં અંગ્રેજોએ ભવ્ય વિજય ઉત્સવ ઉજવવાનો નિર્ણય લીધો. નાટકો ભજવવાનું નક્કી કર્યું. ત્યારે ઈન્ડિયા હાઉસના જુવાનો તમતમી ગયા. આ અપમાનનો બદલો તો લેવો જ જોઈએ એમ સૌને લાગ્યું. સાવરકરે કહ્યું કે જુઠનો જવાબ સત્ય અને તર્કથી આપવો જોઈશે. એટ્લે તેઓ બ્રિટિશ ઈન્ડિયા લાઈબ્રેરીમાં સભ્ય બન્યા. અધ્યયન શરૂ કર્યું. છ મહિના લગાતાર પુસ્તકો અને દસ્તાવેજોના જંગલમાં એકલા રહ્યા.

તેમણે અનુભવ્યું કે સત્તાવનનો સંગ્રામ તો ભારત માટે મહાન સંઘર્ષ હતો. બેથી અઢી લાખના બલિદાનો ફિતૂર કઈ રીતે હોય શકે? ઝાંસી રાણી મનુ અર્થાત લક્ષ્મી બાઈ, નાના સાહેબ પેશવા, દુનિયાના છાપામાર નેતાઓમાં પણ અગ્રણી તાત્યાટોપે, વીર કુંવર સિંહ. આ બધાના બલિદાનો તો ભારતની અસ્મિતા હતા. સાવરકરે એક અધ્યયનશીલ બનીને સાચી વિગતો સાથે પુસ્તક લખ્યું અને સત્તાવનની અર્ધશતાબ્દીની અનોખી ઉજવણી લંડનમાં બ્રિટિશરોની છાતી પર ઉજવવાનું નક્કી કર્યું.

જો આ પુસ્તક ત્યારે જ પ્રકાશિત થયું હોત તો ભડકો થયો હોત. તેના અસત્યના છડીદાર નાટકો તો ભજવાઈ શકાયા નહીં પણ ઈન્ડિયા હાઉસમાં શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, વી.અય્યર, હીંડમેન અને ડો. કુટિન્હો સહિત સૌએ 1857ના બલિદાનીઓની શૌર્યગાથા સાંભળી, પૂરું વંદેમાતરમ ગવાયું. સાવરકરને કુંટિહોએ અભિનંદન આપ્યા પણ વાત ત્યાં સમાપ્ત થતી નહોતી. સાવરકર તેમને એક ખૂણામાં લઈ ગયા. સાવરકરે કહ્યું “ડોક્ટર , એક અવરોધ પેદા થયો છે.”

કુંટિન્હોએ તેમનો હાથ પકડીને પુછ્યું. તેમણે ખબર હતી કે બ્રિટિશ શાસન આ યુવકોને સહન કરવા માગતું નહોતું. ‘ આજે જે પુસ્તકની વાત કરી તેની સ્ક્રીપ્ટ તૈયાર છે અને તે મિત્ર ગાય-દ -અલ્ડ્રેડ છાપવા તૈયાર છે. “તો વિલંબ શા માટે? આપી દો તેમને. જલ્દીથી સાચો ઈતિહાસ સૌને મળશે. “ “ પણ તેવું શક્ય નથી.” “કેમ?” બ્રિટિશ સરકારના ગૃહ વિભાગને ખબર પડી ગઈ છે, તે પુસ્તક પર પ્રતિબંધ જાહેર કરશે.. “ “ અને સ્ક્રીપ્ટ પણ જપ્ત કરશે.. “ કુંટિન્હોએ અનુમાન કર્યું. “હા. પ્રતિબંધ ભલે મૂકે. ભારત અને અમેરીકામાં તેમજ જર્મનીમાં તે પ્રકાશિત થઈ જશે.. પણ…” “પણ શું?’ “સ્ક્રીપ્ટ સલામત રહેવી જોઈએ અને તે કામ તમે કરી શકો.” કુટિન્હો થોડીવાર માટે ચૂપ રહ્યા. આવી વિસ્ફોટ્ક -બોમ્બ કરતાં પણ વધુ જોખમી- સ્ક્રીપ્ટ જાળવવી એ સામાન્ય કામ નહોતું. જો બ્રિટિશ પોલીસને ખબર પડી જાય તો સ્ક્રીપ્ટ પણ જાય અને જેલવાસ મળે. “ શું વિચારી રહ્યા છો, મિત્ર? “સાવરકરે પુછ્યું . “બસ એજ, કે આ કામ મારે કરવું જોઈએ. ભલે જે થવું હોય તે થાય.. એ હવે તો કુન્ટિન્હો નામ યાદ રહેશે ને?

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

 

administrator
R For You Admin