ઈંગ્લેન્ડની ટીમે કરાચી ટેસ્ટની સાથેસાથે સમગ્ર શ્રેણી પણ જીતી લીધી છે. ઈંગ્લેન્ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં યજમાન પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ઈંગ્લેન્ડે 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. પાકિસ્તાનની ધરતી પર રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં આ તેની પ્રથમ ક્લીન સ્વીપ છે. કરાચી ટેસ્ટ જીતવા માટે પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 167 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જે ઈંગ્લેન્ડે મેચના અંતિમ દિવસના પહેલા સત્રમાં હાંસલ જ પ્રાપ્ત કરી લીધો હતો.
કરાચી ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 55 રન બાકી હતા. તેની પાસે હજુ 8 વિકેટ પણ બાકી હતી. ગઈકાલે દિવસના અંતે બેન સ્ટોક્સ અને બેન ડકેટ ક્રિઝ પર હતા. આજે મેચના છેલ્લા દિવસે, ઈગ્લેન્ડે વધુ વિકેટ ગુમાવ્યા વિના, જીતવા માટે જરૂરી એવા બાકીના 55 રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈંગ્લેન્ડનો કરાચીમાં દબદબો
ઈંગ્લેન્ડને કરાચીમાં પાકિસ્તાન સામે મળેલી જીત, 2022માં રમાયેલી 10 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 9મી જીત છે. આ એ જ ઈંગ્લેન્ડની ટીમ છે, જેણે પ્રથમ 17 ટેસ્ટમાંથી માત્ર 1માં જ જીત મેળવી હતી. પરંતુ, બ્રેન્ડન મેક્કુલમ અને બેન સ્ટોક્સના કાર્યકાળ દરમિયાન ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે ટીમના વલણમાં ભારે બદલાવ આવ્યો હતો. જેની અસર સ્પષ્ટપણે ટેસ્ટ મેચમાં જોવા મળે છે.
કરાચી ટેસ્ટમાં કોણે કેવુ દાખવ્યું દમ
પાકિસ્તાને કરાચી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ દાવમાં પાકિસ્તાને 304 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 354 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં ઈગ્લેન્ડે 50 રનની લીડ મેળવી હતી. પાકિસ્તાનનો બીજો દાવ પ્રથમ દાવ જેવો નહોતો રહ્યો. પાકિસ્તાનની આખી ટીમ માત્ર 216 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ઈંગ્લેન્ડને ટેસ્ટ મેચ જીતવા માટે પાકિસ્તાન તરફથી 167 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે માત્ર બે વિકેટનો ભોગે જ ઈંગ્લેન્ડે હાંસલ કરી લીધો.