સરકાર ટૂંક સમયમાં એક વેબસાઈટ લોન્ચ કરશે જે ગ્રાહકોને તેમની કાર, હેન્ડસેટ, હોમ એપ્લાયન્સ અને ઈલેક્ટ્રોનિક્સ સામાન માટે વેચાણ પછીની સેવાની વિગતો મેળવવામાં મદદ કરશે. આ સાથે કંપનીઓએ વેબસાઈટ પર વેચાણ બાદ પ્રોડક્ટ્સ પર આપવામાં આવતી સર્વિસ વિશે માહિતી આપવાની રહેશે. તેનાથી ગ્રાહકોને ઘણી રાહત મળવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીઓ દ્વારા આપવામાં આવેલી વિગતોનું સંચાલન ગ્રાહક વિભાગ દ્વારા કરવામાં આવશે.
એક મીડિયા અહેવાલ અનુસાર, ઉપભોક્તા સામાન ઉત્પાદકોએ ફરજિયાતપણે વેબસાઈટ પર પ્રોડક્ટના વેચાણ પછી આપવામાં આવતી સર્વિસ વિશે માહિતી આપવી પડશે. આમાં સેવાની સમયરેખા, સેવા કેન્દ્રનું સ્થાન અને સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતા જેવી વિગતો શામેલ હશે.
રિપોર્ટ અનુસાર, આ પગલું કંપનીઓ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ સર્વિસને આગળ વધારવા માટે લેવામાં આવી રહ્યું છે. આ માટે કંપનીઓએ પોર્ટલ પર સેલ્ફ રિપેર મેન્યુઅલ પણ અપલોડ કરવાની રહેશે, જેનું સંચાલન ગ્રાહક બાબતોના વિભાગ (DoCA) દ્વારા કરવામાં આવશે.
આ ક્ષેત્રોની થઈ ઓળખ
એક અધિકારીએ મીડિયાને જણાવ્યા અનુસાર જે ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે તેમાં ખેતીના સાધનો, મોબાઈલ ફોન અને ટેબલેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઈલ અને ઓટોમોબાઈલ ઈક્વિપમેન્ટનો સમાવેશ થાય છે. નોંધપાત્ર રીતે, ટીવી9 સ્વતંત્ર રીતે અહેવાલની ચકાસણી કરી શક્યું નથી.
ગ્રાહકોના અધિકારો પર ભાર
રિપોર્ટમાં જણાવાયું છે કે આ પગલું ‘રાઈટ ટુ રિપેર’ તરીકે ઓળખાતા વ્યાપક માળખાને વિકસાવવા માટે સરકારની પહેલનો એક ભાગ છે. આ ઉત્પાદનોની મરામત અને સર્વિસ કરાવવાના ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવામાં મદદ કરે છે. અહેવાલ મુજબ, સરકારે તેનું માળખું તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી છે, જે ગ્રાહકોના ઉત્પાદનોને રિપેર કરાવવાના અધિકાર પર આગ્રહ કરી રહી છે. આ સિવાય સમિતિએ આયોજિત અપ્રચલિતતા અને સ્પેરપાર્ટ્સ પર એકાધિકારની રચના તરફ ધ્યાન દોર્યું છે.
શું છે રાઈટ ટુ રિપેર
‘રાઈટ ટુ રિપેર’ હેઠળ, જો ગ્રાહકની કોઈપણ પ્રોડક્ટને નુકસાન થાય છે, તો કંપનીના સર્વિસ સેન્ટરે તે ગેજેટને ઠીક કરવાનું રહેશે. તે એવું કહીને તેને રિપેર કરવાની ના પાડી શકે નહીં કે તે ભાગ જૂનો થઈ ગયો છે અને હવે રિપેર કરી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં કંપની ગ્રાહકને નવો સામાન ખરીદવા દબાણ કરી શકે નહીં. ‘રાઈટ ટુ રિપેર’ કાયદા હેઠળ, કંપની ગ્રાહકોના જૂના સામાનને રિપેર કરવાની ના પાડી શકે નહીં.