આરોગ્ય

દુનિયામાં વધતા જતા કોરોનાના કેસના પગલે ગુજરાત સરકાર એલર્ટ, કેન્દ્રની એડવાઈઝરીને ચુસ્તપણે પાલન કરવા આરોગ્ય અધિકારીઓને આપી સૂચના

ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. જેને લઇને હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોની સરકારને પત્ર લખી નિર્દેશ જાહેર કર્યો છે. કોરોનાના નવા કેસના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચન કર્યા છે અને કોરોનાના નવા વેરિઅન્ટ પર નજર રાખવા આદેશ કર્યા છે. ત્યારે બીજી તરફ કેન્દ્રના આદેશના પગલે ગુજરાત સરકાર પણ એલર્ટ મોડ પર છે. દુનિયાભરમાં વકરી રહેલા કોરોનાના રોગચાળાના પગલે ગાંધીનગરમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને અલગ અલગ સૂચના આપવામાં આવી છે.

ચીન સહિત વિવિધ દેશમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એલર્ટ થઇ છે. ગાંધીનગરમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને કોરોના સંદર્ભે સાવચેતી રાખવા માટે વિવિધ સૂચના આપી હતી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કેન્દ્રની એડવાઈઝરીને ચુસ્તપણે પાલન કરવા બેઠકમાં સૌ અધિકારીઓને જણાવ્યુ હતુ. તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા સૂચના આપી. તો દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવા પણ સૂચના આપવામાં આવી. તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અધિકારીઓને સલાહ આપવામાં આવી. બેઠકમાં વિદેશી પ્રવાસીઓના ખાસ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અંગે સૂચના આપવામાં આવી. તમામ સેમ્પલનું જીનોમ સિક્વન્સ માટે આદેશ અપાયો હતો.

મહત્વનું છે કે, ચીન-અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના મહામારીના કેસને લઈને કેન્દ્ર સરકાર સતર્ક બની છે. કોરોનાને ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. ભીડભાડવાળા વિસ્તારોમાં તમે જાવ ત્યારે તમે ઘર કે ઓફિસની અંદર કે બહાર હોવ તો પણ માસ્ક પહેરો. આ ઉપરાંત, જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે બૂસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ, જેથી કરીને કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

હવે દર અઠવાડિયે સરકાર આ મામલે બેઠક કરશે

સરકારે કહ્યું કે હવે મોનિટરિંગ વધારવામાં આવશે. જો કે, તેમણે કહ્યું કે ક્રિસમસ, નવા વર્ષ અને તહેવારો પર કોઈ પ્રતિબંધ કે નિયંત્રણ લાદવામાં આવ્યા નથી. સરકાર હવે દર સપ્તાહે કોરોના મુદ્દે બેઠક યોજવામાં આવશે અને કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તે મુજબ નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવશે.

 

administrator
R For You Admin