ગુજરાત

થેલેસેમિયાગ્રસ્ત યુવતીના મોત મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું-પ્રોટોકોલ મુજબ થઈ છે સારવાર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શનિવારે થેલેસેમિયાગ્રસ્ત વિધી પીઠવા નામની યુવતીને લોહી ચડાવ્યા બાદ ઈન્ફેકશનના કારણે મોત નીપજ્યું હતું. આ મામલે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ લગાડ્યો છે. આ મોત બાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્રારા પાંચ સભ્યોની એક કમિટી બનાવી છે. જે મોત અંગે સમીક્ષા કરી રહી છે તો સાથે સાથે થેલેસેમિયાની કામગીરી સાથે જોડાયેલા લોકોની એક હાઈલેવલ બેઠક પણ બોલાવી છે. જેમાં થેલેસેમિયાનો કેન્દ્રીય આરોગ્ય વિભાગનો પ્રોટોકોલનું પાલન થાય છે કે, કેમ આ વિભાગમાં કોઇ તૃટી રહેલી છે કે કેમ તે દિશામાં ચર્ચા કરવામાં આવશે.

વિધિને પ્રોટોકોલ પ્રમાણે સારવાર અપાઈ છે-સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

વિધી પીઠવાના મોત અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ ટીવીનાઈન સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે થેલેસેમિયા બાળકોને બ્લડ ચડાવવા માટેની એક ખાસ પ્રક્રિયા છે. આ અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પ્રોટોકોલ જાહેર કર્યો છે અને દરેક વ્યક્તિ આ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. વિધી પીઠવાના કેસમાં પણ તમામ પ્રકારના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે. આ કિસ્સામાં આરસીસી બ્લડ ચડાવવામાં આવ્યું છે જે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણેનું જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

LR-RCC મશીનની ફરી દરખાસ્ત કરાઈ

થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ ચડાવવા માટે આઘુનિક મશીનરી એલઆર-આરસીસી મશીનરીનો લાભ મળે તે માટે સિવિલ હોસ્પિટલમાં અનેક રજૂઆત કરવામાં આવી છે. આ અંગે મૃતક વિધીએ પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સાથે જિલ્લા કલેક્ટર અને સિવિલ તંત્રને રજૂઆત કરી હતી જો કે પરિણામ શૂન્ય આવ્યું હતું ત્યારે ફરી સિવિલ હોસ્પિટલમાં આ મશીન માટેની દરખાસ્ત મોકલવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના સંલગ્ન વિભાગ દ્વારા રૂબરૂ ગાંઘીનગર જઈને આ અંગેની રજૂઆત કરવામાં આવશે.

તપાસ કમિટી અલગથી પોતાનો રિપોર્ટ કરશે

થેલેસેમિયાગ્રસ્ત યુવતીના મોત બાદ જે કમિટીની રચના થઈ તેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી,થેલેસેમિયાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી સહિત પાંચ નિષ્ણાંત તબીબોની નિમણૂક કરાઈ છે. આ કમિટીએ બ્લડ બેંકમાં તપાસ કરી છે. આ કમિટી પોતાની રીતે અલગ તપાસ કરીને સિવિલ સુપ્રિટેન્ડેન્ટને પોતાનો રિપોર્ટ રજૂ કરશે જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

administrator
R For You Admin