ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ભારતે ટીમમાં એક ફેરફાર કર્યો છે અને સૌરાષ્ટ્ર ટીમના સ્ટાર ખેલાડી જયદેવ ઉનડકટને અંતિમ ઈલેવનમાં સ્થાન આપ્યુ છે. ઝડપી બોલરની સંખ્યામાં વધારો કરવાની યોજના સાથે મીરપુર ટેસ્ટમાં ઉતરવાનુ નક્કી કર્યુ હતુ, જેના ભાગરુપે જયદેવને તક મળી હતી. ઝડપી બોલરની જગ્યા માટે કુલદીપ યાદવે બહાર થવુ પડ્યુ છે. જયદેવ તેની અંતિમ ટેસ્ટ મેચ 2010માં રમ્યો હતો.
જયદેવ ઉનડકટે આ દિવસ જોવા માટે 12 વર્ષ રાહ જોઈ છે. તે એક બાદ એક ટેસ્ટ શ્રેણીઓ પર પોતાને તક મળવાને લઈ રાહ જોઈ રહ્યો હતો. પરંતુ આખરે તેના નસીબ આડેથી પાંદડુ હલ્યુ હોય એમ અચાનક જ તેને બાંગ્લાદેશ જવા માટે કોલ આવ્યો હતો. બાંગ્લાદેશ પ્રવાસ માટેની સ્ક્વોડમાં તેનુ નામ સામેલ નહોતુ, પરંતુ ઈજાને લઈ શમી બહાર થતા પાછળથી ટેસ્ટ ટીમ સ્ક્વોડ માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો. પ્રથમ ટેસ્ટ વેળા વિઝાના કારણોસર સામેલ થઈ શક્યો નહોતો.
12 વર્ષ રાહ જોઈ
ઉનડકટે પોતાની અંતિમ ટેસ્ટ મેચ વર્ષ 2010માં રમી હતી. દક્ષિણ આફ્રિકા સામે સેન્ચ્યુરિયનમાં તે ટેસ્ટ રમ્યા બાદ ફરીથી ટીમ ઈન્ડિયામાં રેડ બોલ ક્રિકેટ રમવા માટે રાહ જ જોતો રહ્યો હતો. આ દરમિયાન ભારત 118 ટેસ્ટ મેચ રમી ચુક્યુ હતુ, પરંતુ જયદેવ એ તમામ 118 પ્લેઈંગ ઈલેવનમાં ફીટ થઈ શક્યો નહોતો. 12 વર્ષ બાદ સંયોગ બદલાયો અને શમીને ઈજાએ તેને મોકો આપ્યો છે. જોકે શમીના સ્થાન માટે બીજા પણ બોલરો રેસમાં હતા.
હવે જયદેવ માટે આ મોકાનો ફાયદો ઉઠાવી તેણે પોતાને સાબિત કરવો પડશે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 86 મેચ રમીને 353 વિકેટ ઝડપી ચુક્યો છે. તેની બોલીંગ એવરેજ આ દરમિયાન 23.50ની રહી છેય જ્યારે 19 વાર તે 5 વિકેટ અને 4 10 વિકેટ મેચમાં ઝડપી ચુક્યો છે.
ચટગાંવમાં પ્લેયર ઓફ ધ મેચ, મીરપુરમાં બહાર
પ્રથમ ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવ હીરો હતો. આમ છતાં તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે. રિસ્ટ સ્પિનર કુલદીપે ચટગાવ ટેસ્ટમાં બોલ અને બેટ બંને રીતે પોતાની શક્તિને સાબિત કરી હતી. આમ છતાં પણ તેણે બહારનો રસ્તો જોવો પડ્યો હતો. જોકે આ માટે મીરપુરની પિચ પર ઝડપી બોલરની અનુકૂળતા ધ્યાને રખાઈ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.
રિસ્ટ સ્પિનરે ચટગાંવમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રથમ ઈનીંગમાં તેને બેટિંગનો મોકો મળ્યો હતો, જેમાં પણ તેને મહત્વપૂર્ણ ઈનીંગ રમતા 40 રનનુ યોગદાન આપ્યુ હતુ. જેને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેને મળેલા આ એવોર્ડને લઈ ટીમમાં તેનુ સ્થાન જળવાઈ રહેવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ મીરપુર ટેસ્ટ માટેની પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ થઈ શક્યો નહોતો.