નવી સરકારની કમાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે. નવી સરકારમાં સીએમએ કડક નિયમોની શરૂઆત કરી છે. હવેથી માત્ર સોમવારે જ સામાન્ય મુલાકાતીઓ માટે સમય ફાળવાશે. મંગળવારે ધારાસભ્ય અને તેમની સાથે મુલાકાતીઓ માટે અનામત ફાળવાયો છે. શુક્રવાર સાંજ સુધી તમામ મંત્રીઓએ ફરજિયાત સચિવાલયમાં રહેવુ પડશે. મુલાકાતીઓએ ચેમ્બરમાં પ્રવેશતા પહેલા મોબાઈલ ફોન જમા કરાવવા પડશે. મંત્રીઓએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત દરમિયાન આ નિયમોનું પાલન કરવુ પડશે ઈમરજન્સી કિસ્સાને બાદ કરતા મુલાકાત પર રોક લગાવી છે. સતત મુલાકાતીઓના કારણે કામમાં અવરોધ આવતો હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીઓએ પોતાના વિભાગની મુલાકાત અને બેઠકો સતત કરવાની રહેશે.
મુખ્યમંત્રી સીએમ ચેમ્બરમાં હાજર હોય તો સીધેસીધા મંત્રીઓ મળવા જઈ શકશે નહીં
ત્રણ અલગ અલગ નિયમો છે. જેમા મુખ્યમંત્રીના કાર્યાલયમાં પણ મળવા જતા પહેલા અગાઉ પરવાનગી લેવાની રહેશે, ભૂતકાળમાં એવુ બનતુ હતુ સીએમ તેમની ચેમ્બરમાં બેઠા હોય તો ધારાસભ્ય કે મંત્રીઓ સીધેસીધા તેમને મળવા જતા રહેતા હતા. જેના કારણે ઘણા મહત્વના કામો, મહત્વની બેઠકો ડિલે થતી હતી. આ વખતે આ અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે જેમા તમામ મંત્રીઓ કેબિનેટની બેઠક બાદ દોઢ કલાકના સમયગાળા દરમિયાન મુખ્યમંત્રીને મળી શકશે. ધારાસભ્યો પણ એપોઈન્ટમેન્ટ લઈને મુખ્યમંત્રીને મળી શકશે. મુખ્યમંત્રીનું નિવાસસ્થાન હોય કે ઓફિસ હોય. તમામ જગ્યા પર મંત્રીઓને કે ધારાસભ્યોને ફોન લઈ જવાની પરમિશન નહીં મળે. અધિકારીઓને પણ નિયમની અમલવારી કરવાની રહેશે. જ્યારે પણ કોઈ બેઠક ચાલતી હશે, બેઠકની અંદર ફોનનો ઉપયોગ નહીં કરી શકાય.
નવી સરકારમાં મુખ્યમંત્રીના કડક નિયમો
મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વખતે તેમની સરકારમાં કોઈપણ પ્રકારની ઢીલાશ વર્તવાના મૂડમાં જણાતા નથી. આથી જ તમામ મંત્રીઓને શુક્રવાર સાંજ સુધી ફરજિયાત સચિવાલયમાં હાજર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. આ દરમિયાન પણ મુલાકાતીઓ માટેનો ચોક્કસ સમય ફાળવી દેવાતા મુલાકાતીઓ પાછળ થતો સમયનો વ્યય અટકાવવાનો પ્રયાસ છે. નવી સરકારમાં આટલો મોટો જનાદેશ મળ્યો છે ત્યારે જનતાના કામોમાં કોઈ કચાશ ન રહે અને સમયસર કામો થતા રહે તે મુખ્ય હેતુ આ નિયમો પાછળનો છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પણ નજીક છે ત્યારે સરકાર કોઈ ઢીલાશ વર્તવાના મૂડમા જણાતી નથી. અગાઉની સરકારોમાં થયેલા મેળાવડાઓને કારણે અનેક કામો અટકી પડ્યા હતા. ત્યારે આ પ્રકારે વગર કામના મેળાવડા પર પણ સરકારનો લગામ કસવાનો એક પ્રયાસ છે.