તહેવારો દરમિયાન લોકોએ નવા વાહનોની ખરીદી તો કરી લીધી. જોકે તેને લાંબો સમય થવા છતાં નવા વાહનોના રજિસ્ટ્રેશન અને નંબર પ્લેટ મેળવવામાં હાલાકી સર્જાઈ છે. જેના કારણે વાહનોના રજિસ્ટ્રેશનમાં વેઇટિંગ વધ્યું છે. તો બીજી તરફ સ્માર્ટ RC બુક અને સ્માર્ટ લાયસન્સનું કામ RTO કચેરીમાં બંધ કરતા અને સેન્ટરલાઈઝ કામ શરૂ કરતાં લોકોને હાલાકી ન પડે માટે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરાયો છે.
વેઇટિંગ દૂર કેવા RTO એ AMCને આપી સલાહ
તહેવારો દરમિયાન કે અન્ય દિવસે લોકો વાહનોની ખરીદી કરી લેતા હોય છે. જે બાદ ડીલર દ્વારા તેમના વાહનોના રજિસ્ટ્રેશન અને નવા નંબર પ્લેટ માટે પ્રક્રિયા કરાય છે. જોકે તેમાં સુભાષબ્રિજ RTO, વસ્ત્રાલ RTO અને બાવળા RTOમાં અલગ અલગ નિયમ પ્રમાણે કાર્યવાહી કરાતી હોવાથી રજીસ્ટ્રેશનમાં સમસ્યા સર્જાઇ હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જેના કારણે હાલ વાહનોના રજિસ્ટ્રેશન અને નવા નંબર પ્લેટ માટે 10 હજાર જેટલું વેઇટિંગ ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે.
સમસ્યા સર્જાતા વાહનોના રજીસ્ટ્રેશનમાં વધ્યું વેઇટિંગ
જોકે RTO અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલમાં માત્ર 5 હજાર જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે અને તેમાં પણ 4 હજાર જેટલું રજિસ્ટ્રેશન મનપસંદ નંબરને લઇને વેઇટિંગ ચાલી રહ્યાનું અધિકારીનું નિવેદન છે. જે વેઇટિંગ RTOના અધિકારીના મતે વાહનોના વેરો ભરવાને લઈને માત્ર એક જ ટેબલ સુભાસબ્રિજ RTO પર હોવાને લઈને સર્જાયાનું તેઓ કહી રહ્યા છે. જે અંગે RTOઅધિકારીએ થોડા દિવસ પહેલા ડિલરો સાથે બેઠક કરી હતી. તે મીટિંગમાં સમસ્યા દુર કરવા RTO અધિકારીએ AMCને તેમના સેન્ટરો પર ટેક્સ લેવાનું શરૂ કરવામાં આવે તેવું સૂચન કર્યું છે. જેથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બને અને લોકોની સમસ્યા દૂર થાય અને મહિનાઓ નું વેઇટિંગ પણ દૂર કરી શકાય.
તો બીજી તરફ સ્માર્ટ RC બુક અને સ્માર્ટ લાયસન્સ કે જેમાં ચિપના અભાવના કારણે વેઇટિંગ વધ્યું હતું. તે દૂર કરવા કયુંઆર કોડ સાથે સ્માર્ટ RC બુક અને સ્માર્ટ લાયસન્સ આપવાનું શરૂ કરાયુ, જેનાથી થોડું વેઇટિંગ ઘટ્યું. જોકે જૂની કંપની સિલ્વર ટચ ને જ કામ સોપવામાં આવતા તેમાં હજુ પણ ધાંધિયા ચાલી રહ્યા છે. જેના કારણે RC બૂક અને લાયસન્સમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. તો પહેલા સ્માર્ટ RCબુક અને સ્માર્ટ લાયસન્સનું કામ RTO ખાતે થતું હતું. તે કામ સેન્ટરલાઈઝ કરવામાં આવતા અને વેઇટિંગ સર્જાતા લોકોને RTO કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો.
આ સમસ્યા દૂર કરવા માટે સિલ્વર ટચ કંપની દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વમાં વસ્ત્રાલ RTO ખાતેની ઓફિસનો 079-29914473 અને 74 તેમજ પશ્ચિમમાં ગુલબાઈ ટેકરા પાસે નોર્થ એવન્યુ એપાર્ટમેન્ટમાં આવેલ ઓફીસનો 079-26304098 અને 99 હેલ્પ લાઇન નંબર જાહેર કરાયો છે. જેથી વાહન ધારકો હેલ્પ લાઇન નંબર પર કૉલ કરી RC બુક અને લાયસન્સનું સ્ટેટસ જાણી શકે અને તેઓએ ધક્કા ખાવાનો વારો ન આવે.
પ્રક્રિયા બનશે સરળ
આમ RTO દ્વારા અને વાહન વ્યવહાર નિગમ દ્વારા વાહન ધારકોની સુવિધાને લઈને ધ્યાન આપવામાં આવી રહ્યું છે. માટે જ આ પ્રકારની સુવિધા શરૂ કરાઇ છે. જોકે કેટલીક વાર હેલ્પ લાઇન નંબર પર કૉલ નહિ લાગતા હોવા તેમજ યોગ્ય પ્રતિસાદ નહિ મળતા હોવાની પણ ક્યાંક ફરિયાદ ઉઠી રહી છે. જેના પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જ વાહન ધારકો માટેની સુવિધાનો હેતુ સાર્થક થશે અને વાહન ધારકોને રજિસ્ટ્રેશન, નંબર પ્લેટ, RC બુક અને લાયસન્સ માટે વેઇટિંગ નહિ કરવું પડે. ત્યારે જોવાનું પણ રહે છે કે આવો તે સમય ક્યારે આવશે કે જ્યારે આ તમામ વેઇટિંગ દૂર થશે અને તમામ પ્રક્રિયા સરળ બનશે