રમત ગમત

BCCI સચિવ જય શાહને માટે આર્જેન્ટિનાથી આવી ખાસ ભેટ, લિયોનલ મેસીએ મોકલી અદ્ભૂત ગિફ્ટ

લિયોનલ મેસીએ પોતાના દેશને ફુટબોલ ચેમ્પિયન બનાવ્યુ છે. છેલ્લા 36 વર્ષથી જોવાઈ રહેલી રાહનો અંત તેણે કર્યો છે. આર્જેન્ટિનામાં હજુ પણ ખુશીઓનો જશ્ન ઓસરવાનુ નામ નથી રહ્યો. અહીં હજુ પણ ફેન ફુટબોલ વિશ્વ ચેમ્પિયન બન્યાનો આનંદ માણી રહ્યા છે. લિયોનલ મેસીના ફેન ના માત્ર આર્જેન્ટિનામાં છે, વિશ્વભરના ખુણે ખુણે તેના ચાહકો છે. તેની લોકપ્રિયતા ખૂબ ઉંચી છે. ફુટબોલ વિશ્વના આ મહાન ખેલાડીએ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ માટે એક ખાસ ગિફ્ટ મોકલી છે. જેનો ફોટો પ્રજ્ઞાન ઓઝાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.

આર્જેન્ટિના ફુટબોલ ટીમના કેપ્ટન લિયોનલ મેસીએ ચેમ્પિયન બન્યા બાદ જય શાહ માટે આ ગિફ્ટ મોકલી છે. જે ગિફ્ટને લઈ પ્રજ્ઞાન ઓઝાએ તસ્વીર શેર કરી છે. જેમાં તેણે મેસીને વિનમ્ર કહ્યો છે. પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝા હાલમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સદસ્ય છે.

મેસીએ પોતાની સાઈન કરેલી ટીશર્ટ મોકલી

સ્ટાર ફુટબોલર મેસીએ પોતાની સાઈન કરેલી એક ટીશર્ટ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરીને મોકલી છે. સેક્રેટરી જય શાહની ટીશર્ટ સાથેને પ્રજ્ઞાને પોતાની તસ્વીર શેર કરી છે. જેમાં તેણે લખ્યુ છે કે, ‘GOAT એ જયભાઈને માટે શુભકામનાઓ અને હસ્તાક્ષર કરેલ મેચ જર્સી મોકલી છે! કેટલુ વિનમ્ર વ્યક્તિત્વ છે. આશા છે કે મને પણ પોતાના માટે એક મળી જશે… જલ્દી થી!

શાહે શુભેચ્છા પાઠવી હતી

કતારમાં ફ્રાંસને હરાવીને આર્જેન્ટિના વિશ્વ ચેમ્પિયન બનતા જ જય શાહે શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, ‘ફુટબોલની શુ અવિશ્વનિય રમત છે! બંને ટીમોએ અસાધારણ રુપથી સારી રમત રમી છે. પરંતુ આર્જેન્ટિનાને ત્રીજા ફિફા વિશ્વકપને જીતવા બદલ અભિનંદન! એક સારી રીતે લાયક જીત’

દિલધડક રહી હતી મેચ

ફ્રાંસ અને આર્જેન્ટિના વચ્ચેની ફાઈનલ મેચ દિલધડક રહી હતી. મેચના પ્રથમ હાફમાં આર્જેન્ટિના એકતરફી આગળ રહ્યુ હતુ, પરંતુ નિર્ધારિત સમય પૂર્ણ થતા બંને ટીમો સરખાં ગોલ ધરાવતુ હતુ. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમની રમત રમાઈ હતી. તેમાં પણ બંને ટીમો સમાન ગોલ કર્યા હતા. આમ પરિણામ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આવ્યુ હતુ. જેમાં આર્જેન્ટિનાએ બાજી મારી લીધી હતી.

35 વર્ષીય મેસીએ કતારમાં ફિફા વિશ્વકપમાં 7 ગોલ કર્યા હતા અને 3 ગોલ આસિસ્ટ કર્યા હતા. જેને લઈ તેને ગોલ્ડ બોલ મળ્યો હતો. આર્જેન્ટિનાનો તે ફોરવર્ડ ફુટબોલ વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ એવો ખેલાડી નોંધાયો છે કે, જે બીજીવાર ગોલ્ડન બોલ મેળવી ચુક્યો છે. આ પહેલા મેસીએ ફુટબોલ વિશ્વકપ 2014માં ગોલ્ડન બોલ મેળવ્યો હતો.

administrator
R For You Admin