રમત ગમત

ઢાકા ટેસ્ટ જીતવા ભારત સામે 145 રનનુ લક્ષ્ય, અક્ષર પટેલે 3, અશ્વિને 2 વિકેટ ઝડપી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 2 ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે. સિરીઝની બીજી ટેસ્ટમાં પણ યજમાન બાંગ્લાદેશની હાલત ભારત સામે ખરાબ થઈ ગઈ છે. અક્ષર પટેલ સહિત ભારતીય બોલરોના આક્રમણ સામે બીજી ઈનીંગમાં પણ બાંગ્લાદેશના બેટ્સમેનો રન નિકાળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. બાંગ્લાદેશની બીજી ઈનીંગ માત્ર 231 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આમ ભારતને 145 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ.

ઢાકા ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ બાંગ્લાદેશે કરી હતી. પ્રથમ ઈનીંગમાં યજમાન ટીમે 227 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમે પ્રથમ ઈનીંગમાં 380 રન નોંધાવીને 87 રનની લીડ મેળવી હતી. બીજી ઈનીંગમાં બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલીંગ આક્રમણ સામે ઝડપથી સમેટાઈ જતા ભારતને આસાન સ્કોરનુ લક્ષ્ય મળ્યુ છે.

લિટ્ટન દાસે કર્યો સંઘર્ષ

બીજી ઈનીંગમાં બાંગ્લાદેશ માટે ઝડપથી સમેટાઈ જવાનુ સંકટ તોળાઈ રહ્યુ હતુ. જોકે પહેલા ઓપનર ઝાકીર હસને અને બાદમાં લિટ્ટન દાસે યજમાન ટીમની લાજ બચાવવા સંઘર્ષભરી પારી રમી હતી. ત્રીજા દિવસની રમતની શરુઆત વિના કોઈ વિકેટે કરી હતી. પરંતુ સવારે પ્રથમ સેશનમાં જ ભારતીય બોલરોએ એક બાદ એક વિકેટ ઝડપવામાં સફળતા મેળવવી શરુ કરી હતી. 13 રનના સ્કોર પર જ ઓપનર નઝમુલ શાંતોની વિકેટ ભારતે ઝડપી હતી. શાંતોને અશ્વિને શિકાર કર્યો હતો. ત્યાર બાદ ઉમેશે વધુ એક સફળતા ભારતને અપાવી હતી. એટલે કે મોનિમુલ હકની વિકેટ હાથ લાગતા જ ભારત માટે દિવસની શરુઆત સારી રહી હતી.

ઝાકીરે 51 રનની ઈનીંગ રમી હતી, તેણે વિકેટનો સિલસિલો અટકાવવાનો પ્રયાસ કરતા 135 બોલનો સામનો કરીને ક્રિઝ પર સમય વધુ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. લિટ્ટન દાસે પણ અડધી સદી નોંધાવી હતી.

પ્રથમ ઈનીંગમાં પંત અને અય્યરની શાનદાર રમત

ઋષભ પંત અને શ્રેયસ અય્યરે પ્રથમ ઈનીંગમા જબરદસ્ત રમત રમી હતી. પંત 7 રન માટે સદી ચૂકી ગયો હતો. કેણે ભારતીય ટીમ વતી સૌથી વધુ 93 રનની ઈનીંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યરે 87 રન નોંધાવ્યા હતા. બંનેની રમતને લઈ ભારતીય ટીમે સારી લીડ પ્રથમ ઈનીંગના અંતે મેળવી હતી.

administrator
R For You Admin