ગુજરાત

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધિકારીઓને તાકીદ, કહ્યું-જૂની યોજનાઓ પૂર્ણ કરો, પાણી ચોરી ન થાય તેની તકેદારી રાખો

ગુજરાત રાજ્યમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બાદ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો પદભાર સંભાળતા જ મંત્રી કુવરજી બાવળીયાએ તરત એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જળ વ્યવસ્થાપન, વિવિધ સિંચાઈ યોજનાઓની સમીક્ષાર્થે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કુંવરજી બાવળિયાએ અધિકારીઓને તાકીદ કરી હતી કે જે સિંચાઈની યોજનાઓ બાકી હોય,નવા ચેકડેમના નિર્માણની વાત હોય કે પછી ચેકડેમ રિપેરીંગની વાત હોય તે તાકીદે પૂર્ણ કરવા. આ ઉપરાંત કેનાલ કે ચેકડેમમાંથી પાણીની ચોરી ન થાય તે માટેની તકેદારી રાખવા સૂચના આપી હતી.

ગુણવત્તા સભર કામગીરી કરવા સૂચના

રાજકોટ ખાતે આયોજિત આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, જામખંભાળિયા, પોરબંદર સહિતના વિવિધ જિલ્લાઓમાં નાની મોટી સિંચાઈ યોજનાઓ, નિર્માણાધિન ચેક ડેમો અને કેનાલોમાં હાલ ચાલી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમ જ ગુણવત્તા સભર કામગીરી થાય તે માટે ખાસ તાકીદ કરી હતી.

સૌની યોજનાના કામની કરી સમીક્ષા

આ ઉપરાંત મંત્રી કુંવરજી બાવળિયાએ વિવિધ કેનાલની કામગીરી, ડી શીલ્ટિંન્ગ અને ચેકડેમોની મરામત, મિકેનિકલ વર્ક સહિતની કામગીરીની જાણકારી અધિકારીઓ પાસેથી મેળવી હતી. મંત્રી કુવરજીએ કેનાલ તેમજ અન્ય સરકારી જળ સ્ત્રોત પર કોઈ પણ પ્રકારની પાણી ચોરી ન થાય તેમજ તેની યોગ્ય જાળવણી થાય તે માટે પણ અધિકારીઓને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન “સૌની” યોજનાની વિવિધ લીંકોના કામો હાલ પ્રગતિ હેઠળ છે, તેના સંદર્ભે પણ મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. સૌની યોજનાની લીંકોના કામ ક્યાં સુધી પહોંચ્યા છે,સૌની યોજનાથી પાણીનો જથ્થો ક્યાં કેટલો પહોંચાડવામાં આવી રહ્યો છે તે તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી છે

સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં ક્ષાર અંકુશ વર્તુળના અધિક્ષક ઇજનેર એચ.સી ચૌધરી તેમજ રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર કે. એચ. મહેતાએ સિંચાઈ યોજના કામગીરી સંદર્ભે વિવિધ ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા મંત્રી કુંવરજી બાવળિયા સાથે કરી હતી. આ ઉપરાંત રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર તેમજ વિવિધ જિલ્લાઓમાંથી કાર્યપાલક ઇજનેરોએ તેમના જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિનો ચિતાર પૂરો પાડ્યો હતો.

administrator
R For You Admin