ગુજરાત

જેતપુર અને ધોરાજીમાં બંધ ઓક્સિજન પ્લાન્ટને શરૂ કરવા માટે થઈ રજૂઆત

કોરોના સામે લડત આપવા હાલમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર છે ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે દરેક હોસ્પિટલમાં એક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવાની રહેશે. તેમજ પ્લાન્ટને શરૂ કરવાનો પણ રહેશે જેથી ખબર પડે કે પ્લાન્ટ કાર્યરત છે કે નહીં અને કટોકટીની પરિસ્થિતિમાં તે ઉપયોગી થઈ રહેશે કે નહીં. આ પરિસ્થિતિમાં રાજકોટના જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું કે, અમે ઉપરી અધિકારીને રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થઈ જશે. તો બીજી તરફ સ્થાનિક આગેવાનો પણ બંધ હાલતમાં પડેલા ઓક્સિજન પ્લાન્ટને શોભાના ગાઠિયા સમાન ગણાવ્યો હતો. અને લોકોની સુરક્ષા માટે ત્વરીત ઓક્સિજન પ્લાન્ટ શરૂ થાય તે માટે સરકાર પાસે માગણી કરી હતી.

ધોરાજી સિવિલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માંગણી

બીજી તરફ રાજકોટના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી ટેક્નિકલ કારણોસર ઓક્સિજન પ્લાન્ટ બંધ પડ્યો છે. હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે ઓક્સિજન પ્લાન્ટનું મેઇન્ટેઇનન્સ કંપનીને રીપેરીંગ માટે બે માસ અગાઉ લેખિત અને મૌખીક જાણ કરી છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.ધોરાજી સિવિલ હોસ્પિટલ કોરોનાની બીજી લહેરમાં આસપાસના 40 જેટલા ગામો માટે આશીર્વાદરૂપ બની હતી, પરંતુ હાલ ઓક્સિજન પ્લાન્ટ બંધ હોવાથી દર્દીઓને ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે છે. ત્યારે તાત્કાલીક ઓક્સિજન પ્લાન્ટ શરૂ થાય તે માટે સ્થાનિકો પણ માગ કરી રહ્યા છે. તો આ તરફ ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટ ની મુલાકાત લીધી હતી અને સરકારને ચીમકી આપતા જણાવ્યું કે, બે દિવસ દરમિયાન  ઓક્સિજન પ્લાન્ટ રિપેર  કરવામાં નહીં આવે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.

મુખ્યમંત્રીએ કરી માસ્ક પહેરવાની અપીલ

કોરોનાના  વેરિઅન્ટને પગલે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટને લઇને CM ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં CM ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. CMએ અપીલ કરતા જણાવ્યું કે, મોટા મેળાવડામાં માસ્ક પહેરવુ હિતાવહ છે. આ સાથે CMએ પ્રિકોશન ડોઝ લેવા માટે પણ લોકોને જણાવ્યું છે.

મહત્વનું છે કે, જુદા-જુદા રાજ્યોમાં કોરોના સંબંધિત પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓક્સિજન, દવાઓ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને કોરોના વોર્ડ ફરીથી સક્રિય કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.. અને જો કોઈ સંક્રમિત મળી આવે તો તેના જીનોમ સિક્વન્સિંગની તપાસ કરવા ખાસ સૂચના અપાઈ છે. જેથી દર્દીમાં કયા પ્રકારનો કોરોના છે તે જાણી શકાય. કોરોનાના સામે લડવા માટે જોરદાર તૈયારીઓ થઇ રહી છે. પરંતુ આ એક એવી મુશ્કેલી છે જેનું સમાધાન સરકાર એકલા હાથે કરી શકે એમ નથી. સામાન્ય જનતાએ પણ આ વિશે જાગૃત થવું પડશે.

 

administrator
R For You Admin