ગુજરાત

કોરોનાની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે બોલાવી સમીક્ષા બેઠક, 100 બેડની હોસ્પિટલ સ્ટેન્ડ ટુ રાખવા સૂચના

કોરોનાના નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા વહિવટી તંત્રએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે, આજે રાજકોટની સિવીલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સિવીલ સુપ્રિટેન્ડેન્ટ, બાયોલોજી, ઓક્સિજન, મેડિસીન, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોરોનાની સંભવિત સ્થિતિને લઈને આરોગ્યલક્ષી સમીક્ષા કરી હતી.

100 બેડની હોસ્પિટલ સ્ટેન્ડ ટુ રખાઇ
આ બેઠકમાં કોરોનાની દવા,ઓક્સિજન ,આઇસીયુ અને ઓક્સિજન બેડ સહિતની સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી જેના પગલે ચૌધરી હાઇસ્કૂલમાં આવેલી ઇન્ડો-અમેરીકન પોર્ટિબીલીટી હોસ્પિટલ તૈનાત રાખવામાં આવી છે.આ હોસ્પિટલમાં દવાનો જથ્થો,ઓક્સિજન સપ્લાય તથા તબીબો અને મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે.

દરેક પોઝિટીવ કેસની સમીક્ષા કરવામાં આવશે
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે સિવીલમાં બાયોલોજી વિભાગ સાથે બેઠક કરાઇ છે અને શહેરની તમામ લેબોલેટરીઓ સાથે સંકલન કરીને જો કોઇ પોઝિટીવ કેસ આવે તો તેના જીનોમ સિકવન્સની ચકાસણી કરવા માટે સેમ્પલ મોકલવાની સૂચના આપવામાં આવી છે.

વેક્સિનની અછત છે અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વેક્સિનની અછત અંગે કહ્યું હતું કે શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટતા વેક્સિન લેવામાં લોકોનો નિરુત્સાહ હતો જે બાદ ફરી કોરોનાની શક્યતાને પગલે આ માંગ ઉઠી છે.શહેરમાં કોરોના વેક્સિનનો જથ્થો જલદી મળે તે માટે સરકારને જાણ કરવામાં આવી છે.રાજ્ય સરકાર જલદી આ જથ્થો પૂરો પાડશે તેવો પણ કલેક્ટરે દાવો કર્યો હતો.

IMA અને ખાનગી લેબોલેટરી સાથે કરાશે બેઠક
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે હાલમાં દરેક તબક્કા પર કોરોનાને લઇને સમીક્ષા કરવામાં આવી છે.ગત સપ્તાહમાં જિલ્લાની સમીક્ષા કર્યા બાદ આજે સિવીલ હોસ્પિટલની સમીક્ષા કરાશે.સાથે સાથે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ બેઠક કરાશે જેથી કોઇ એવી સ્થિતિ આવે કે બેડની જરૂરિયાત રહે તો તેને પહોંચી શકીએ.આ માટે યોગ્ય આયોજન અને સૂચનો પણ લેવામાં આવશે.આ ઉપરાંત ખાનગી લેબોલેટરી સાથે ચર્ચા કરીને તેને ત્યાં કોઇ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તે નવો વેરિયન્ટ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

administrator
R For You Admin