રમત ગમત

ટીમ ઈન્ડિયા 2023માં આ 4 મોટા પડકારનો સામનો કરી, વર્લ્ડ ક્રિકેટમાં ડંકો વગાડશે

વર્ષે 2022 ભારતીય ક્રિકેટ ટીમ માટે યાદગાર રહ્યું નથી. ભારતીય ટીમ ન તો એશિયા કપની ચેમ્પિયન બની અને ન તો તેમણે ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન આપી શકી હતી. છેલ્લી સિરીઝ તેમણે બાંગ્લાદેશ સામે જીત મેળવી હતી. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં તેને હારનો ખતરો હતો પરંતુ શ્રેયસ અય્યર અને અશ્વિનની જોડીએ ટીમને જીત અપાવી હતી. બસ હવે વર્ષ 2022 પસાર થઈ ગયું અને હવે 2023 આવવાનું છે. નવા વર્ષમાં BCCI અને ટીમ ઈન્ડિયાની સામે ઘણા પડકારો છે અને આ પડકારોને પાર કરીને જ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન કહેવાશે.

વર્ષે 2023 કોચ રાહુલ દ્રવિડથી લઈ કેપ્ટન રોહિત શર્માને લઈ મુશ્કેલ રહેવાનું છે. વર્ષે 2023માં ભારતીય ટીમમાં અનેક મોટા ફેરફાર જોવા મળી શકે છે. નવા વર્ષે ભારતીય ટીમને 4 મોટા પડકારનો સામનો કરવાનો રહેશે. જે પડકાર આસાન નહિ હોય. જો ભારતીય ટીમ સફળ રહી તો તેનો ડંકો વર્લ્ડ ક્રિકેટમાં વાગી શકે છે.

પ્રથમ પડકાર ટી 20ને Reboot કરવાનો

ટીમ ઈન્ડિયા 2007થી T20 વર્લ્ડ કપ જીતી શકી નથી. ધોનીની કેપ્ટનશીપમાં ભારતને પહેલા T20 વર્લ્ડ કપમાં સફળતા મળી હતી, ત્યારબાદ દરેક વખતે ટીમ ઈન્ડિયા આ અભિયાનમાં નિષ્ફળ રહી છે. 2021 અને 2022માં ટીમનું પ્રદર્શન બિલકુલ સંતોષકારક નહોતું. નવા વર્ષમાં T20 સેટઅપને સુધારવું એ BCCI એજન્ડામાં ટોચ પર છે. આ માટે ઘણા નિર્ણયો લેવા પડશે નવા કોચ અને કેપ્ટનને કમાન આપવાની સાથે એવા અહેવાલો પણ છે કે ઘણા સિનિયર ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે જેથી 2024માં યોજાનાર ટી 20 વર્લ્ડકપની તૈયારી યુવા ખેલાડી સાથે થઈ શકે.

બીજો પડકાર World Test Championship

પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ સ્થાન બનાવ્યું હતુ પરંતુ ટીમ તે ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. હવે 2023માં બીજી વખત WTC Finals રમાશે અને ટીમ ઈન્ડિયાનો પ્રથમ લક્ષ્ય WTC Finalમાં સ્થાન બનાવવાનું છે. આ ટેબલમાં ભારતીય ટીમ હાલમાં નંબર 2 પોઝિશન પર છે અને નવા વર્ષેમાં ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટની બોર્ડર -ગાવસ્કર સિરીઝ રમવાની છે જેનું પરિણામ નક્કી કરશે કે, ભારતીય ટીમ WTC Finalમાં સ્થાન બનાવી શકે છે કે કેમ, જો ભારતીય ટીમ આ ટ્રોફી જીતે છે તો તે આઈસીસીની તમામ ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની જશે.

ત્રીજો પડકાર -વર્લ્ડ કપ

ભારતીય ટીમ માટે ત્રીજો પડકાર ખુબ મોટો છે. આ વખતે ભારતમાં વર્લ્ડકપનું આયોજન થવાનું છે અને ભારતીય ટીમ પાસે ચેમ્પિયન બનવાની આશા પણ ખુબ મોટી છે. ભારત છેલ્લી વખત 2011માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ અને 2013 બાદ તેમણે કોઈ પણ આઈસીસી ટ્રોફી જીતી નથી. ત્યારે આ વખતે વર્લ્ડકપ ભારત માટે ખુબ મહત્વનો છે.

ચોથો પડકાર-એશિયા કપ

ભારતીય ટીમ માટે ચોથો પડકાર એશિયા કપ છે. ગત્ત વર્ષે એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખુબ શરમજનક રહ્યું હતુ, ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી ન હતી. આ વખતે એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. ભારતીય ટીમનો ઈરાદો આ વખતે પાકિસ્તાન સાથે હિસાબ બરાબર કરી 8મી વખત આ ટૂર્નામેન્ટ જીતવાનું હશે.

administrator
R For You Admin