વિશ્વભરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. ખાસ કરીને ચીન અને દક્ષિણ અમેરિકાના દેશોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી ભારતમાં કોરોનાના કેસો પ્રમાણમાં ખુબ જ સ્થિર રહ્યા છે. પરંતુ આપણે જો પાછલા મહિનાના કોરોનાના ટ્રેન્ડ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભારતમાં પણ કોરોનાના કેસોમાં થોડો વધારો જરૂર નોંધાયો છે. કોરોના દર્દીઓના તાજેતરના કેસોનું વિશ્લેષણ દર્શાવે છે કે, જ્યારે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસ, છેલ્લા નવ અઠવાડિયાના સમયગાળામાં સપ્તાહ-દર-સપ્તાહે સતત ઘટી રહ્યા હતા, ત્યારે 19 થી 25 ડિસેમ્બરની વચ્ચેના છેલ્લા સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
આ વધારો 11 ટકા જેટલો જોવા મળ્યો. જો કે, જો આપણે સીધા આંકડાઓની વાત કરીએ, તો જ્યાં 12-18 ડિસેમ્બરની વચ્ચેના એક સપ્તાહમાં દેશમાં કોરોનાના 1103 કેસ નોંધાયા હતા, તે 19 થી 25 ડિસેમ્બરની વચ્ચેના સપ્તાહમાં કોરોના કેસની સંખ્યા વધીને 1219 થઈ ગઈ હતી.
કોરોનાના કેસ આ રાજ્યોમાં વધ્યા ?
જોકે ભારતમાં કોરોનાના કેસમાં વધારો બહુ મોટો નથી. પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે સમગ્ર દેશમાં કોરોનાની સરેરાશ વધી રહી છે. ખાસ કરીને મધ્ય ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, દક્ષિણ ભારતમાં તેલંગાણા અને પૂર્વ ભારતમાં ઓડિશા રાજ્યમાં પ્રમાણમાં કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે.
હજુ એ સ્પષ્ટ નથી થયું કે અન્ય દેશોમાં જોવા મળતા કોરોનાના સબવેરિયન્ટ BF.7ને કારણે કોરોનાના આ કેસો વધ્યા છે કે પછી ચીનમાં કોરોનાના કેસ વધ્યા પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વધી રહેલા ટેસ્ટિંગને કારણે નવા કેસ સામે આવી રહ્યાં છે. જો કે, કોરોના વાયરસ સંક્રમણને કારણે મૃત્યુઆંક હજુ પણ ઘણો જ ઓછો છે. સમગ્ર દેશમાં 19 થી 25 ડિસેમ્બરની વચ્ચેના સપ્તાહમાં માત્ર 12 મૃત્યુ થયા છે. જ્યારે 12 થી 18 ડિસેમ્બરની વચ્ચેના સપ્તાહમા 20 મૃત્યુ નોંધાયા હતા.
જો રવિવાર (25 ડિસેમ્બર)ના રોજ પૂરા થતા સપ્તાહના આંકડાની પાછલા સપ્તાહના આંકડા સાથે તુલના કરવામાં આવે તો જાણી શકીએ કે 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. અન્ય નવ રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા લગભગ ગયા સપ્તાહ જેટલી જ રહેવા પામી છે. જે રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે, તેમાં માત્ર રાજસ્થાન અને પંજાબ જ એવા છે, જ્યાં ગયા સપ્તાહની સરખામણીમાં સંક્રમિતોની સંખ્યામાં 30નો વધારો થયો છે. જ્યારે, કેરળમાં સંક્રમિતોની સંખ્યામાં 31 નો ઘટાડો નોંધાયો છે. જે અગાઉની લહેરમાં મોટાભાગના કોરોના કેસ કેરળમાં નોંધાયા હતા.