ગુજરાત

બી.જે.મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર્સ સાથે રેગિંગ થયાની ફરિયાદ, ડીને સમગ્ર મામલો એન્ટી રેગિંગ કમીટિને સોંપ્યો

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે. બી જે મેડિકલ કોલેજના PGના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયાનો આરોપ લાગ્યો છે. 6 વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ લેખિતમાં પોલીસ ફરિયાદ કરી છે. સિનિયરોએ જુનિયર વિદ્યાર્થીઓને પરેશાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર વિદ્યાર્થીઓએ ડિનને પણ લેખિતમાં ફરિયાદ કરી છે.

રેસિડેન્ટ ડોક્ટર્સે ડીનને લેખિતમાં કરી ફરિયાદ

અમદાવાદમાં બી જે મેડિકલ કોલેજના PGના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેમની સાથે રેગિંગ થઇ હોવાની પોલીસ ફરિયાદ કરી છે. બી જે મેડિકલ કોલેજના ડીને મીડિયા સમક્ષ તેમને મળેલી ફરિયાદ અંગે જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ રેસિડેન્ટ ડોક્ટર્સે રેગિંગ થયા અંગેની ફરિયાદ કરી છે. R3ના વિદ્યાર્થીઓ દ્વારા માનસિક અને શારીરિક રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ડીન દ્વારા જણાવવામાં આવ્યુ કે લેખિતમાં તેમને ફરિયાદ મળી છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે તેમની પાસે શીટ અપ્સ, પ્લેન્કસ, સ્ક્વોટ્સ કરાવવામાં આવે છે. તેમને લાફા મારવામાં આવે છે, તેમજ બેલ્ટ અને શૂઝથી પણ માર મારવામાં આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

સમગ્ર મામલો એન્ટી રેગિંગ કમીટિને સોંપાશે- ડીન

સમગ્ર ઘટનાને લઇને કોલેજના ડીન દ્વારા જણાવવામાં આવ્યુ કે આ અંગે એન્ટી રેગિંગ કમીટિને ફરિયાદ કરવામાં આવી નતી. પરંતુ આ આખો મામલો અમે એન્ટિ રેગિંગ કમીટિને સોંપીશુ. તેમના દ્વારા દરેક સામેલ વ્યક્તિના નિવેદન નોંધશે અને રિપોર્ટ આપશે. એ રિપોર્ટ પ્રમાણે જેમના પર પણ આક્ષેપ પુરવાર થશે તે રેસિડેન્ટ ડોક્ટર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં આ પ્રકારના બનાવો અટકી શકે.

મહત્વનું છે કે, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને માનસિક અને શારિરીક રીતે હેરાનગતિ ન થાય તે માટે ભારતમાં એન્ટિ રેગિંગ કાયદો બનેલો છે. આમ છતા આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ગુજરાતમાં જ છેલ્લા થોડા વર્ષમાં આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે. જે આ અનેક સવાલો ઊભા કરે છે.

administrator
R For You Admin